શહેર ગણેશમય બની ગયું : બાપ્પા મોરીયા અગલે બરસ લવકર યા સાથે ડી.જે.ના તાલ-સુરો સાથે વિસર્જન યાત્રાઓ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ભાદરવા સુદ-ચતુર્થી ગણેશ ચોથના દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહાઉત્સવનો ભક્તિભાવ સાથે શુભારંભ થયો હતો. વાપી સહિત જિલ્લાભરમાં બે હજાર ઉપરાંત શ્રીજીની સ્થાપના વિવિધ ગણેશ મંડળો દ્વારા સોસાયટીઓ, મોહલ્લાઓમાં કરવામાં આવી હતી. દશ દિવસીય ગણેશ મહોત્સવના આજે અનંત ચૌદશના છેલ્લા દિવસે બાપ્પાની ઠેર ઠેર ભવ્ય અવર્ણનીય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
વાપીમાં આજે અનંત ચૌદશ શ્રીજી મહોત્સવનો અંતિમ દિવસ યાદગાર, રળીયામણો અને ભક્તિસભર બની ગયો હતો. ધીમા વરસાદના અમી છાંટણા સાથે વાપીમાં ઠેર ઠેર શ્રીજીની વિસર્જન યાત્રાઓ નિકળી હતી ત્યારે તમામ રોડ ભરચક બની ગયા હતા. શહેર ગણેશમય બની ગયું હતું. ઠેર ઠેર નિકળેલી વિસર્જન યાત્રાઓમાં ભાવિકો ડી.જે. તાલ-સુરો સાથે ઝુમી રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રીજીની વિસર્જનયાત્રાઓ નિકળી હતી. કેટલાક મંડળના શ્રીજી દમણ દરિયામાં વિસર્જન કરાયા હતા તો અડધા જેટલા દમણગંગા નદીમાં બાપ્પાની સેવા પૂજા, અર્ચન, આરતી કરી અગલે બરસ લૌકરિયાના ભાવ સાથે અશ્રુભીની આંખે બાપ્પાને ભાવવિભોર બનીભાવિકોએ ભારે હૈયે વિસર્જીત કર્યા હતા.