(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: બહુદા આદિવાસી વિસ્તાર ધરાવતા ઉમરગામ તાલુકામાં રાજ્ય સરકારની આદિવાસી વિરુદ્ધ નીતિઓને કારણે હક અને અધિકારથી વંચિત રહેલા આદિવાસીઓએ આજરોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સરકારશ્રીનું ધ્યાન દોરવા એક રેલીનું આયોજન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી મિતેશભાઈ પટેલ અને એડવોકેટ શ્રી ધર્મેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને મહિલાઓ એકત્રિત થઈ પોતાના અધિકાર માટે અવાજ બુલંદ કર્યો હતો. પોતાના હક અને અધિકારની માંગણી કરતા આદિવાસીઓએ ભારતીય બંધારણની અનુસૂચિત પાંચ હેઠળની જોગવાઈઓ તેમજ પૈસા પંચાયત ટુ ધ સીડ્યુલ એરીયા એક્ટ 1996 અધિનિયમ મુજબ આદિવાસીઓના હિતમાંઅને રક્ષણ માટે કરેલી જોગવાઈઓનુ નિયમનો અમલ કરાવવા સરકાર પાસે માંગણી કરી હતી. આ ઉપરાંત સરકારમાં ખાલી પડેલી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિઓને 15 ટકા સુનિヘતિ કરવા, ગણોતધારાની નિયંત્રણ સત્તા પ્રકારની 73એએ ની જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં ભરી આદિવાસીઓને રક્ષણ આપવું, કુપોષિત બાળકોને સુવિધા પૂરી પાડવી તેમજ માત્ર આદિવાસી શબ્દોનો ઉપયોગ કરવો અને વનબંધુ કે વનવાસી શબ્દ ઉપર પ્રતિબંધ મૂકવો વગેરે અગત્યના મુદ્દામાં આવરી લઈ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આદિવાસી યુવાન અને બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર અને રાજ્યપાલનું ધ્યાન દોર્યું હતું. આ રેલી ઉમરગામ ટાઉન અક્રરા મારુતિથી સવારના 11:00 કલાકે પ્રારંભ થઈ હતી અને પગપાળા રૂપે મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચક ગેરહાજરીની નોંધ આદિવાસીઓ દ્વારા લેવામાં આવી હતી.