(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: સંઘપ્રદેશની ગર્લ્સ ટીમ પહેલી વખત આમંત્રિત આંતરરાષ્ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત વિભાગ દમણ દ્વારા સંઘપ્રદેશ સ્તરની સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ સ્પર્ધામાં પસંદગી માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ, યુવા કાર્યક્રમ અને રમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શમાં અને યુવા કાર્યક્રમ અને રમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા સ્તરે વિજેતા સ્કૂલ ટીમો જેમાં બોયઝ અંડર 14 અને 17 અને અંડર 17 ગર્લ્સ સ્કૂલ ફૂટબોલ માટે સંઘપ્રદેશ સ્તરની પ્રી-સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન ભારતના વાયુસેના અધ્યક્ષ શ્રી સુબ્રોતો મુખર્જીની યાદમાં સુબ્રોતો મુખર્જી સ્પોર્ટ્સ સોસાયટી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટ દેશમાં જુનિયર સ્તરનીમહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે. સંઘપ્રદેશ સ્તરે પ્રી-સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમ એટલે કે અંડર 17માં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ દમણની ટીમ 19 થી 28 સપ્ટેમ્બરમાં આયોજીત થનારી આમંત્રિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રતિનિધિત્વ કરવા માટે રવાના થઈ છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના વડપણ હેડળ રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓનું મનોબળ અને યોગદાન વધારવા માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગર્લ્સ ટીમ પ્રથમ વખત આમંત્રિત આંતરરાષ્ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન માટે વિભાગ દ્વારા 15 દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાયા પછી ટીમ પુરા જોશ સાથે સ્પર્ધા માટે રવાના થઈ છે.
સંઘપ્રદેશની ટીમ માટે પ્રશિક્ષણ શ્રી જીજ્ઞેશ પટેલ અને વ્યવસ્થાક તરીકે નીતાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવેલ છે.
યુવા કાર્યક્રમ અને રમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા, વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર અને શ્રી દેવરાજ સિંહ રાઠોડ દ્વારા પ્રશિક્ષણ શિબિરના છેલ્લા દિવસે ઉપસ્થિત રહી ટીમનો પ્રોત્સાહન પુરૂં પાડયું હતું અને સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે શુભકામના પાઠવી હતી.
