સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પરિયારી શાળા અને દમણવાડા પંચાયતના પટાંગણના નંદઘરના નાનકડાં ભૂલકાંઓને તિથિ ભોજન આપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને તંદુરસ્ત ભાવિ પેઢીના નિર્માણનો કરેલો સંકલ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 17: દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પરિયારી પ્રાથમિક શાળાના બાળકો અને દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આવેલ નંદઘરના ભૂલકાંઓ માટે પૌષ્ટિક તિથિ ભોજનનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રના સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ પણ સહભાગી બન્યા હતા.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગર્ભવતિ માતાથી માંડી ધાત્રી માતા અને નવજાત બાળકથી લઈ તેના શાળા પ્રવેશ સુધીની તમામ ચિંતા કરવામાં આવી છે અને તેમને કોઈ અગવડ નહીં પડે તેની સીધી કાળજી પ્રશાસન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી લેવામાં આવી રહી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાળ વિકાસ અને તેમના કલ્યાણ ઉપર ખાસ ફોકસ કરી ભારત સરકારના ભંડોળનો ઉપયોગ કર્યા વગર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (સીએસઆર) અંતર્ગત વિવિધ સુવિધાપુરી પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જન્મતા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બની રહ્યું છે અને આ પ્રકારની સુવિધા ઉભી કરનાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ દેશનો એક માત્ર પ્રદેશ હોવાનું દેખાય છે.
આજે પરિયારી શાળાના બાળકોને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હાથે પિરસેલા ભોજનનો લાભ લેવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ પણ જોડાયા હતા અને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદે પણ ભોજન પિરસ્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આવેલ નંદઘર ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાનાં ભૂલકાંઓને ખિર તથા રાગીનો શીરાનું ભોજન કરાવ્યું હતું તથા નવજાત બાળકોની માતાઓને વધાઈ કિટ પણ ભેટ આપવામાં આવી હતી. પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવ, ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, દમણ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી અરૂણ ગોયલ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.