અઢી વર્ષની ટર્મ માટે મહિલા સામાન્ય બેઠક હોવાથી ચારથી પાંચ મહિલા સભ્યો વચ્ચે સ્પર્ધા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09
વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી અંગેનું બુધવારે કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબ આગામી 14 ડિસેમ્બરના રોજ વાપી નગરપાલિકા માટે અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાશે.
વાપી નગરપાલિકાના સભાખંડમાં ચૂંટાયેલ નગરસેવકોની તા.14 નવેમ્બરે 11 કલાકે પ્રથમ સામાન્ય સભા યોજાશે. જેમાં નવી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી જાહેર કરવામાં આવશે.
આ અઢી વર્ષની ટર્મ માટે મહિલા સામાન્ય બેઠક હોવાથી ચૂંટણી રસાકસી ભરેલી રહેશે તેવા પરિણામો સર્જાયા છે પરંતુ ભાજપની પરંપરા મુજબ જે મહિલા સભ્યોને પ્રમુખ-ઉપ પ્રમુખનું મેન્ડેડ મળશે તેઓને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. અત્યારે તો કાશ્મિરા શાહ, અપેક્ષા શાહ, અર્ચના દેસાઈ અને દેવલ દેસાઈના નામો ચર્ચામાં છે.
વાપી પાલિકાની મુદત 15 ડિસેમ્બરે પૂર્ણ થતી હોઈ તેથી નવિન બોડીની રચના હેતુ પારડી પ્રાંત અધિકારીની નિમણૂંક કરાઈ છે. તેઓસામાન્ય સભાનું સંચાલન કરશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરશે.