સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ લોકોનો વધારેલો જુસ્સો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ કડીમાં ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસના ઉપલક્ષમાં ‘‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં સવારે 8 વાગ્યે જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસના ઉપલક્ષમાં સફાઈનું મહા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સી.એસ.આર. અંતર્ગત ઓટોમેટિક સમુદ્ર તટ સફાઈ ઉપકરણનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ અભિયાનમાં લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો અને મોટી દમણ લાઈટ હાઉસથી જમ્પોર અને નાની દમણ જેટીથી કડૈયાસુધી લગભગ 15 કિલોમીટરના સમુદ્રી તટની સાફ-સફાઈ કરી હતી.
આ અભિયાનમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ, ડી.આઈ.જી.પી. શ્રી ડી.એમ.મહાદેવ, જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવ સહિત દમણ જિલ્લા પ્રશાસનના કલેક્ટરાલય, કોસ્ટગાર્ડ, પોલીસ વિભાગ, આઈ.આર.બી., ફાયરબ્રિગેડ, શિક્ષણ, પ્રવાસન, લોક નિર્માણ, નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ અન્ય દરેક વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ અભિયાનને સફળ બનાવવા માટે નગરપાલિકાના કાઉન્સિલર અને પંચાયતના સરપંચોએ પણ મહત્વની ભૂમિકા બજાવી હતી.
આ અભિયાનમાં હોટલ એસોસિએશન, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિત હજારોની સંખ્યામાં શાળાના બાળકો, આમલોકો અને એન.જી.ઓ.ના સહયોગથી બીચ ઉપર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો કાઢવામાં આવ્યો હતો.