(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હૉરિપટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ ખાતેથી આયુષ્યમાન ભારત આર્ગત “પી.એમ.જે.એ.વાય- મા યોજના” કાર્ડ બનાવી આપવાની કામગીરી ચાલુ છે. જિલ્લાનાં પાત્રતા ધરાવતાં તમામ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય – મા યોજનાનો લાભ મળે એવા શુભાશયથી તા. ૨૩/૦૯/૨૦૨૨, શુક્રવારનાં રોજ જિલ્લાનાં પ્રા,આ.કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હૉસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે સેવા ઉપલબ્ધ રહેશે, જેના માટે સંલગ્ન આરોગ્ય કર્મચારીઓ, તલાટી, ગ્રામ પંચાયત VCE ને આશા બહેનોનો સંપર્ક કરવાનો રહેશે.
આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ વિના મૂલ્યે બનાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે. સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી – ૨૦૧૧ મુજબ યાદીમાં નામ હોવું જરૂરી છે. પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડમાં નામ હોવુ જરૂરી છે, જેઓને નવા પી.એમ.જે.એ.વાય કાર્ડ બનાવી આપવામાં આવશે તથા તેમના કુટુંબનાં રાજ્યોને પણ કાર્ડ બનાવી આપવામાં આવશે. નિયત માપદંડો ધરાવતા કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત આયુષ્માન કાર્ડ મળશે.
મા વાત્સલ્ય કાર્ડને “પી.એમ.જે.એ.વાય મા યોજના” કાર્ડમાં રૂપાંતર કરાવવા માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. 4,00,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે. સિનિયર સિટીઝનો માટે વાર્ષિક રૂ.600000/- થી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે તથા આવકનો દાખલો જરૂરી છે. મા કાર્ડને “પી એમ જે એ વાય –મા યોજના” કાર્ડમાં રૂપાંતર કરાવવા માટે બી.પી.એલ.નો દાખલો ( 0 થી 20 સ્કોર), આધાર કાર્ડ તથા રેશન કાર્ડ જરૂરી છે.
“પી.એમ.જે.એ.વાય-મા યોજના” કાર્ડનો લાભ હ્રદય રોગ, કેન્સર, કિડની, આકસ્મિક સારવાર, ડિલીવરી, ન્યુરો સર્જરી વિગેરે પ્રકારની ગંભીર બીમારીઓ સમયે કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી હોસ્પિટલો ખાતે વિના મૂલ્યે (કેશલેશ) સારવાર મેળવી આરોગ્ય કવચથી સુરક્ષિત થઈ શકશે.
જિલ્લામાં પાત્રતા ધરાવતાં નાગરિકોને આયુષ્યમાન “પી.એમ.જે.વાય – મા યોજના” કાર્ડ મહાઝુંબેશનો લાભ લઇ ભવિષ્યમાં આવનારી અણધારી ગંભીર બીમારી સામે આરોગ્ય કવચનો લાભ લઇ પોતાને અને પોતાના પરિવારને ખુશહાલ બનાવવા વહીવટી તંત્ર – વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત અંતર્ગત “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ મેગા ડ્રાઇવ માટેનાં સેન્ટરોની માહિતી જિલ્લા પંચાયતની વેબસાઇટ https://valsaddp.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે તથા વધુ માહિતી માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતનો કંટ્રોલ રૂમ ફોન | 02632 – 253381 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.