વાપીની એલ. જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલ અને ડુંગરાની મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિજેતા 2 વિદ્યાર્થી રાજ્ય કક્ષાના સેમિનારમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ સાયન્સ સેમિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓની નવી વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓની માહિતીથી વાકેફ કરવાનો પ્રયાસ કરાય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, ભારત સરકાર દ્વારા આયોજિત નેશનલ સાયન્સ સેમિનાર માટે “ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન: પડકારો અને સંભાવનાઓ” “सतत विकास के लिए बुनियादी विज्ञान : चुनौतियाँ और संभावनाए” “Basic Sciences for Sustainable Development: Challenges & Prospects” વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઈ હતી. આ પ્રસંગે એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન અંગેની રૂચિ અને વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન વિષય પ્રત્યે જાગૃતિ લાવવા જિલ્લા અને રાજય સ્તરે થતી વિજ્ઞાન શિક્ષણ વિષયક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા થતા રહેલા આયોજનની માહિતી આપી હતી. તેમજ UNESCO દ્વારા 2022 નું વર્ષ ઈન્ટરનેશનલ યર ઓફ બેઝિક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (IYBSSD) 2022નું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઘોષિત કર્યું છે એમ જણાવ્યુ હતું. આ પ્રસંગે નિર્ણાયક તરીકે વલસાડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના ડો. ભદ્રેશ સદાણી અને પ્રોફેસર રાજેશ માલન ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકશ્રીઓએ વિદ્યાર્થીઓને રાજય કક્ષાની સ્પર્ધા માટે ઉપયોગી સૂચનો આપ્યા હતા.
જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનાર 2022 માં વલસાડ જિલ્લાની 07 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ઇનામ આયુષી ભાનુશાળી શ્રી એલ. જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલ, વાપી અને અભિજિત ઝા મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ડુંગરા વાપીને દ્વિતિય ઈનામ મળ્યું હતું. આ બંને વિજેતાઓ રાજય કક્ષાના સેમિનારમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજય કક્ષાની સ્પર્ધા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા આયોજીત થશે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો.ઇન્દ્રા વત્સ, ક્યુરેટર ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, ડો. ભદ્રેશ સુદાણી, અને પ્રોફેસર રાજેશ માલન, ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજ, વલસાડ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર વિતરણ કર્યું હતું.