ફરિયાદ નિવારણ સહિત સ્થાનિક આગેવાનોની અવાર-નવારની રજૂઆત બાદ પણ હાલે એકાદ ફૂટની ઉંડાઈ એ જ પાઈપ નાંખવામાં આવતો હોવાની સ્થાનિક લોકોમાં ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: ફડવેલ ગામમાં વાસ્મોની નલ સે જલની રૂ.62.16 લાખની યોજનામાં એસ્ટીમેટ અને ડિઝાઇનની જોગવાઈ મુજબ બોર અને પાઈપલાઈનમાં પાઈપો ન નાંખી, બોરને ફેઈલ બતાવી બીજા બોર કરી, નિયત જોગવાઈ મુજબ પાઈપ પૂરતી ઉંડાઈએ ન નાંખી મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ નિવારણ સહિત ઉચ્ચકક્ષાએ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
આ દરમિયાન ફડવેલના ગામતળ વિસ્તારમાં હાલે પણ નલ સે જલ યોજનામાં પીવીસીના પાઈપ લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં સ્થાનિકોના જણાવ્યાનુસાર પાઈપ રસ્તાની ધારે અને માંડ એકાદ ફૂટની ઊંડાઈએ જ નાંખવામાં આવી રહ્યા છે અને આ અંગે સ્થાનિક વોર્ડ સભ્ય સહિતના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કામની ગુણવત્તામાં કોઈએ જ ફરક ન પડતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
ફડવેલમાં વાસ્મોની યોજનામાં ગેરરીતી અંગેની રજૂઆતમાં ફરિયાદ નિવારણમાં મામલતદાર દ્વારા સ્થળ પર જાતે જઈને અરજદારનેસાથે રાખીને રિપોર્ટ કરવા વાસ્મોના પ્રતિનિધિને સૂચના આપી હતી. પરંતુ ફરિયાદ નિવારણમાં મામલતદારની સૂચનાને પણ વાસ્મોનો સ્ટાફ ધોળીને પી ગયો હોય તેમ અરજદારને સાથે રાખીને કોઈ જ તપાસ કરવામાં આવી નથી. ત્યારે વાસ્મોના જવાબદારોને ફરિયાદ નિવારણની પણ ગંભીરતા ન હોય તેમ લાગે છે.
ફડવેલના નિરજભાઈના જણાવ્યાનુસાર વાસ્મો દ્વારા ફડવેલના ગામતળમાં 65 જેટલા ઘરોમાં ઘરે ઘર ખાનગી બોર છે. અને આરો પ્લાન્ટ હોવાનો ફરિયાદ નિવારણમાં રિપોર્ટ કરેલ જે તદ્દન ખોટો છે અને તેમાં મામલતદાર દ્વારા અરજદારને સાથે રાખીને સ્થળ તપાસ કરવાની સૂચના વાસ્મોના પ્રતિનિધિને અપાઈ હતી. પરંતુ આજદિન સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી અને હાલે પણ એક ફૂટની ઊંડાઈએ જ પાઇપ નાખી કામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે.વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચારની છૂટ અપાઈ હોય તેમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.