વિધાનસભામાં કેગનો અહેવાલ : વાપીમાં પ્રદૂષણનો સુચકાંક 88:09 થી ઘટીને 79:95 થયો
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.22: ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે વાપીનું નામ ગાજતુ રહેતુ આવ્યું છે પરંતુ આ બાબત ભુતકાળ બની જશે તેવા સુખદ સમાચાર છે. વિધાનસભામાં રજૂ થયેલ કેગના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે કે વાપી વિસ્તારનું પ્રદૂષણ ઘટયું છે. જ્યારે સૌથી વધુ પ્રદૂષણ વડોદરાનું જાહેર થયું છે. સાથે સાથે કેગના અહેવાલ મુજબ અંકલેશ્વર, નરોડા અને ઓઢવનું પ્રદૂષણ પણ ઘટયું છે.
વાપીનો પ્રદૂષણના મામલા એન.જી.ટી.થી લઈ હાઈકોર્ટ સુધી ગાજ્યા છે. આંતરરાષ્ટ્રિય સ્તરે પણ વાપીના પ્રદૂષણની વાતો થઈ છે. પરંતુ હવે આ બાબત ભૂતકાળ બની જશે તેવી વાસ્તવિકતા ઉજાગર થઈ છે. વિધાનસભામાં કેગ દ્વારા રજૂ થયેલા અહેવાલ મુજબ વાપીનો પ્રદૂષણ સુચકાંક 88:09 થી ઘટીને 79:95 થયો છે. પ્રદૂષણ નિવારવા પર્યાવરણની જાળવણી માટે છેલ્લા સમયમાં વી.આઈ.એ. દ્વારા નોટિફાઈડ, વાપીની એન.જી.ઓ દ્વારા સતત પગલાં અને કાર્યક્રમો થઈ રહ્યા છે. તેનું પરિણામ મળ્યું છે. વાપીનું પ્રદૂષણ આંક સતત ઘટવા તરફી જઈ રહ્યો છે તેવું કેગનો અહેવાલ દર્શાવી રહ્યો છે. જો કે વડોદરા અને રાજકોટ શહેરમાં પ્રદૂષણ સુચકાંક વધ્યો છે.