(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 :
સેલવાસના દયાત ફળિયા વિસ્તારમાં આવેલ બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઓરિસ્સાવાસી પરિવારની 17 વર્ષીય તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા વિસ્તારમાં ચકચાર જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના જિલ્લા મથક સેલવાસના દયાત ફળીયાના બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઓરિસ્સાના પરિવારની દીકરી એના પિતા નોકરી પર નીકળી ગયા બાદ ઘરે એના ભાઈ સાથે હતી. બાદમાં એનો ભાઈ પણ નીચે દુકાનમાં કોઈ સામાન લેવા ગયો તે સમયે તરુણીએ અગમ્ય કારણોસર ઘરની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તરુણીનો ભાઈ પરત ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેથી એણે એની બહેનને બુમો મારી પણ દરવાજો ખોલ્યો નહતો. તેથી એના ભાઈએ બીજી ગેલેરીમાંથી ઘરમાં ડોકાવી જોતાં એની બહેન ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ભાઈના પગતળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ આજુબાજુ લોકોને કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્ળથે પહોંચી ફાંસો ખાધેલી તરૂણીની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.