અરજદારે વડીલોપાર્જીત જમીનમાં બાંધકામ હેતુસર પંચાયત પાસે રજા ચિઠ્ઠ અને ઠરાવ માંગેલ તે પેટે ડે.સરપંચ અમીત પટેલ અને્ હંગામી ક્લાર્ક કૃષાંગ ચંદારાણાએ રૂા.15 લાખ માંગ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ અને પંચાયતનો હંગામી ક્લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતાપંચાયત વર્તુળ અને ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
એસીબી સુત્રો મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર સોળસુંબામાં રહેતા ફરિયાદીને વડીલોપાર્જીત બીન ખેતીની જમીનમાં રહેણાંક અને વાણિજ્ય બાંધકામ કરવા હેતુ ગ્રામ પંચાયત સોળસુંબા પાસે જરૂરી રજા ચિઠ્ઠી અને પંચાયત ઠરાવની માંગણી કરી હતી તેની ફરિયાદી પાસે ડેપ્યુટી સરપંચ અમીતભાઈ મણીભાઈ પટેલ અને પંચાયતના હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાએ ફરિયાદી પાસે રૂા.15 લાખની માંગણી કરી હતી પરંતુ રકઝકને અંતે 12 લાખમાં સમાધાન થયું હતું પરંતુ આ રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા તેથી એસીબીને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આજે મંગળવારે ફરિયાદીએ ડે.સરપંચ અને ક્લાર્કને પાર્ટ પેમેન્ટ 3 લાખની સગવડ થઈ હોવાથી પંચાયત ઘર સામે ગાડીમાં રૂપિયા લેવા બોલાવ્યા હતા તે મુજબ ક્લાર્ક કૃષાંગ ચંદારાણા ગાડીમાં રૂપિયા લેવા ગયો અને મળી જતો ડે.સરપંચ અમીત પટેલને જાણ કરી હતી કે 3 લાખ મળી ગયા છે. પરંતુ એસીબી ટીમ ટ્રેપિંગ અધિકારી શ્રીમતી એ.કે. ચૌહાણ અને ટીમે ગોઠવેલ છટકામાં હંગામી ક્લાર્ક કૃષાંગ ચંદારાણા રૂા.3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એ.સી.બી.એ રકમ સાથે ક્લાર્કને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.