Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

સારા કે મધ્‍યમ વર્ગના પાઠય પુસ્‍તકો વેકેશનમાં રદ્દી કે પસ્‍તીમાં માટીના મુલે જાય છે : એ પુસ્‍તકો નવા ધોરણમાં પ્રવેશતા બાળકો સુધી પહોંચાડવા એક પુલની આવશ્‍યકતા છે

જુના પાઠયપુસ્‍તકોનું એકત્રીકરણ કેન્‍દ્ર કાર્યરત કરી એ પુસ્‍તકો ગરીબ-મધ્‍યમવર્ગના બાળકોને ભેટ પ્રદાન કરી મોટી સામાજીક સેવા કરવાની કામગીરી સમાજે ઉપાડવી જરૂરી

વર્તમાનના કાળઝાળ મોંઘવારીના સમયમાં મધ્‍યમ અને ગરીબ વર્ગના બાળકો માટેનો અભ્‍યાસ ખર્ચ પડકાર સ્‍વરૂપ છે. બાળકોના નવા શૈક્ષણિક છત્રના પ્રારંભ પહેલાં જ હજારો પરિવારો માટે આ ખર્ચ પહોંચી વળવા માટે આકાશ-પાતાળ એક કરવું પડે છે. કારણ કે નવા છત્રના આરંભથી બાળકો માટેના પુસ્‍તકો, સ્‍ટેશનરી અને ગણવેશના તોતિંગ ખર્ચ પરિવાર ઉપર કમોસમી વરસાદી માવઠાની જેમ ઝીંકાય છે. સામાન્‍ય પરિવાર મોંઘવારીમાં બે છેડા એક કરવા માટે આકાશ-પાતાળ એક કરતો હોય છે. ત્‍યાં જ ઉઘડતી સ્‍કૂલે બાળકો માટેના શૈક્ષણિક ખર્ચ રાક્ષસી દાંતીયા કાઢતો દસ્‍તક દે છે, ત્‍યારે ગરીબ પરિવારો માટે આ પીડા દોહલી બની જાય છે. માંડ માંડ મહિનાનો અંત લાવવાની મથામણ અનુભવતા ઘરના મોભી માટે તો ઉઘડતી સ્‍કૂલના બાળક માટેના નવા ખર્ચ માટેની ચિંતા દિવસ-રાત કોરી ખાવાની શરૂ થઈ જતી હોય છે. કારણ કે વાહિયાત તો નહી બલ્‍ક બિનજરૂરી અમુક-તમુક ખર્ચનો નવો અંબાર ઉભો થઈ જાય છે. તે પૈકી પાઠયપુસ્‍તક અને સ્‍ટેશનરીનો ખર્ચ શિરમોર છે ત્‍યારે તેવા કારમી મોંઘવારીમાં પિસાતા મધ્‍યમ વર્ગના પરિવારોની મોટી લેખાવી શકાય તેવી એક પુસ્‍તક બેંક કામગીરી કરવાની જરૂરીયાત છે. એ માટેવલસાડ જિલ્લા અને સંઘપ્રદેશની સામાજીક સંસ્‍થાઓ કે સમાજ સેવીઓને આગળ આવવાની જરૂર છે. પુસ્‍તક બેંકની પહેલ કરવાની વાસ્‍તવિક જરૂરીયાત છે જ. શિક્ષણ દાનથી મોટુ કોઈ દાન નથી, સેવા નથી.
રોટરી ક્‍લબ, લાયન્‍સ ક્‍લબ, જે.સી.આઈ. સહિતની અનેક સામાજીક સંસ્‍થાઓ સમાજ સેવા કરવાના અનેક પ્રોજેક્‍ટ ચલાવી રહી છે. ખુબ નોંધનીય ઉમદા સમાજ સેવાઓ વાપી, વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશોમાં ચલાવવામાં આવી રહી છે ત્‍યારે સમાજ સેવા માટે એક નવી પહેલ ‘‘પુસ્‍તક બેંક”ની સેવાનો પ્રારંભ કરવા માટે સામાજીક સંસ્‍થાઓ આગળ આવે. હાલમાં બાળકોની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્‍યાર પછી નવા સત્રનો પ્રારંભ જૂન મહિનામાં થશે, ત્‍યારે બાળકોને નિઃશુલ્‍ક પાઠય પુસ્‍તકો પ્રદાન કરી શકાય એમ છે તે માટે શહેરમાં બે-ચાર કે પાંચ જૂના પાઠય પુસ્‍તકોના કલેકશન કેન્‍દ્રો ઉભા કરવા પડે. આ કેન્‍દ્રોમાં જાગૃત વાલીઓ પોતાના બાળકના વિતેલા વર્ષના પાઠય પુસ્‍તકો જમા કરાવે તેવી જાહેરાત અને જાગરૂકતા ઉભી કરવા માટે એક તંત્ર અને પ્રચાર-પ્રસાર વ્‍યવસ્‍થા આગળ આવવા માંગતી સામાજીક સંસ્‍થા એ કરે તો તમામ વાલીઓ ખુશી ખુશીથી પાઠય પુસ્‍તકો પુસ્‍તક બેંકમાં જમા કરવા દોડી આવશે. કારણ કે આમ પણ જુના પુસ્‍તકો રદ્દી કે પસ્‍તીમાં માટીના મુલે વેડફાઈ રહ્યા છે. તેવા પુસ્‍તકો સામાજીકસંસ્‍થાના સથવારે પુસ્‍તક બેંકના માધ્‍યમથી ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકો સુધી પહોંચાડવાની કામગીરીનો પુલ તૈયાર થશે. નોંધી રાખજો પુસ્‍તક બેંક યોજના જો કાર્યરત થાય તો એટલો મોટો પ્રતિસાદ મળશે કે બે વર્ગ દોડીને આવશે. એક પુસ્‍તક જમા કરાવવા માટે અને બીજો જરૂરીયાતમંદ પુસ્‍તક લેવા માટે આવશે. સંસ્‍થાઓએ માત્ર સંકલનની કડી પુરી પાડવાની રહેશે, તે પણ કોઈપણ ખાસ ખર્ચ વગર માત્ર સમયદાનથી આ પુસ્‍તક બેંકની કામગીરી થઈ શકશે. તે માટે દિર્ઘદ્રષ્‍ટિ અને સમાજ સેવા કરવાની ઈચ્‍છા શક્‍તિની જ માત્ર જરૂરીયાત છે.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, શિક્ષણ હવે સેવા નહી બલ્‍કે બિઝનેસ કે વેપાર બની ગયેલ છે. ખાનગી સ્‍કૂલોને લૂંટ કરવાની નવા શૈક્ષણિક વર્ષથી કુદી પડશે, જે વાહિયાત લાગે તેવા અનેક ખર્ચાઓ વાલીઓ પાસે કરાવવાની હોડ ચાલશે. વાપી સહિત જિલ્લા અને સંઘપ્રદેશની શૈક્ષણિક સંસ્‍થાઓની ફી ના પેરામીટર જ એવા છે કે સંસ્‍થા સેવા માટે નિર્માઈ નથી પરંતુ એક બિઝનેસ હબ ચલાવવા ઉભી કરાઈ છે કે કાર્યરત છે. પ્રત્‍યેક નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્‍તકોનું વિતરણ પણ સંસ્‍થાઓ કરશે. સ્‍કૂલ ડ્રેસ મોટા ભાગે ફરજીયાત વાલીઓ પાસે સ્‍કૂલ સંચાલકો લેવડાવશે અને ક્‍યારેક તો તેમના દ્વારા એવી પણ નફફટાઈ કરવામાં આવે છે કે પ્રતિ વર્ષે સ્‍કૂલયુનિફોર્મ બદલી કાઢવામાં આવે છે. વાલીએ બાળકો માટે લીધેલા યુનિફોર્મ થોડા એક વર્ષમાં ખરાબ થઈ જવાના છે અને પણ નવા ડ્રેસકોડ બદલી નવો યુનિફોર્મ લાગું કરવાની સ્‍કૂલ સંચાલકોની દાનત સ્‍પષ્‍ટ થઈ જાય છે. કે આ સ્‍કૂલ નહીં પણ ગારમેન્‍ટ શો રૂમ છે. બજાર કિંમત કરતા પોતાની કિંમતે યુનિફોર્મનું વેચાણ કરવાનું. આ અસહ્ય વેપારીકરણ નથી તો શું છે? કોઈ કોઈ સ્‍કૂલ પોતાના અલગ પાઠય પુસ્‍તકો ચલાવે છે તે પણ ફરજીયાત સ્‍કૂલમાંથી જ લેવા પડે બજારમાં એવા પાઠય પુસ્‍તકો ઉપલબ્‍ધ જ ના હોય. પ્રકાશક પાસે મોટુ ડીલ કરીને પુસ્‍તકો ઉપર 30 થી 40 ટકા રીતસર ઊંચી કિંમતે વેચાણ કરવાની રીત રસમો સ્‍કૂલ સંચાલકો ચલાવી રહ્યા છે. ખાનગી સ્‍કૂલો ગ્રાન્‍ટેડ નહીં હોવાથી સરકારનો પણ કોઈ અંકુશ હોતો નથી. સરકારની પણ ભૂલ છે કે તમામ શાળાઓ માટે એક જ પ્રકારના પાઠય પુસ્‍તકો અંગે ગાઈડલાઈન શું જારી નહી કરી શકે? તમે સર્વે કરજો તમામ ખાનગી સ્‍કૂલના અમુક તમુક પાઠય પુસ્‍તકો તેમના નીજી જ હોય છે? શું રાજ્‍ય સ્‍તરે એક જ પ્રકારના પુસ્‍તકો ભણાવાય તેવુ ના થઈ શકે?
ઉપરોક્‍ત તમામ સમસ્‍યાથી મધ્‍યમ અને ગરીબ વર્ગ ભોગવી રહ્યો છે, ભોગ બની રહ્યો છે ત્‍યારે પુસ્‍તક બેંક હજારો પરિવારો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. કારણ મોંઘવારીમાં કમસે કમ વાલીઓએ નવા પુસ્‍તકોતો નહીં ખરીદવા પડે ને. પુસ્‍તક બેંક થકી નિઃશુલ્‍ક પુસ્‍તક મેળવી શકશે. આનાથી મોટી કોઈ સામાજીક સેવા નથી. તમે સીધા વાલીઓને મદદ ના કરી શકો તો વાંધો નથી પરંતુ પુસ્‍તક બેંક થકી પરોક્ષ મદદ તો સામાજીક સંસ્‍થાઓ અવશ્‍ય કરી શકે છે.
કારણ કે સ્‍કૂલ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ પણ અટકશે. સ્‍ટેશનરી સંચાલકોની લૂંટ પણ ક્‍યાંક અટકી જશે ત્‍યારે પુસ્‍તક બેંક કાર્યરત કરવા અંગેનો આ વિચારબીજ નથી બલ્‍કે મોટી સામાજીક સેવા કરવાનો અવસર ઉભો થશે. કેટલીક સામાજીક સંસ્‍થાઓ માત્ર સેવાનો પબ્‍લિક સ્‍ટંટ કરીને વાહવાહી કરી રહી છે. ફોટો સુટ કરાવીને સમાજ સેવાનો ડોળ કરાઈ રહ્યો છે ત્‍યારે તચે અટકાવીને ખરેખર જ સમાજ સેવા કરવી હોય તો વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં પુસ્‍તક બેંક પુસ્‍તક પરબો ચાલું કરવાનો સમયનો પોકાર છે. કોઈપણ મુડીરોકાણ કે ખર્ચ વગરની આ કામગીરી છે. જરૂર છે માત્ર ઈચ્‍છા શક્‍તિ અને સમાજ સેવા કરવાની ધગશની.

Related posts

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાનું આજે સમાપન : મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

Leave a Comment