October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

અધિકારી અને પદાધિકારીઓના સતત ફોલોઅપથી જિલ્લામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છેઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વલસાડ જિલ્લા પંચાયતનું નવુ મકાન સી.ડી.પી-3 યોજના અંતર્ગત રૂ.૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર હોવાથી રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે ભૂમિપૂજનની વિધિ જિલ્લા પંચાયતના પટાંગણમાં થઈ હતી.
આ પ્રંસગે રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વલસાડ જિલ્લો રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લો છે કારણ કે અહીં રસ્તા, વીજળી, પીવાનું અને સિંચાઈનું પાણી, વાહન વ્યવહાર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ તો ઉપલબ્ધ છે જ પરંતુ વર્તમાન સમયમાં જરૂરી આધુનિક સુવિધા સાથે સરકારી કચેરીઓ પણ બની રહી છે. જે અધિકારીઓ અને પદાધિકારીઓના સતત ફોલોઅપ અને સંકલનના કારણે શક્ય બન્યું છે. જિલ્લા પંચાયતનું નવુ મકાન આ જ જગ્યા પર બનનાર છે તેનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીને ફાળે જાય છે. આગામી સમયમાં વલસાડ તાલુકા પંચાયતનું પણ નવુ મકાન બનશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે કહ્યું કે, જિલ્લા પંચાયતના હાલના મકાનમાં કર્મચારીઓ તેમજ પ્રજાજનોને અગવડતા પડી રહી હતી પરંતુ હવે નવુ સુવિધાયુક્ત મકાન બનવાથી લોકોને રાહત થશે. વધુમાં તેમણે જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે આવાસ બનાવવામાં આવે એવી પણ આશા વ્યક્ત કરી હતી.
વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું કે,તા.૨૮-૧૨-૧૯૬૯ના રોજ દેશના માજી વડાપ્રધાન અને વલસાડના પનોતા પુત્ર મોરારજી દેસાઈના હસ્તે હાલની જિલ્લા પંચાયત કચેરીનું લોકાર્પણ થયુ હતુ અને હવે જે નવુ જિલ્લા પંચાયત ભવન બનવા જઈ રહ્યું છે તેનું ભૂમિપૂજન નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે થઈ રહ્યું છે જે આપણા માટે ગર્વની વાત છે. ઔરંગા નદીના કાંઠે રિવર ફ્રન્ટ અને નાની દાંતીમાં ધોવાણને અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનશે. વલસાડ રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડીએસપી ઓફિસની સામેથી સીધુ રેલવે સ્ટેશન પર પહોંચી શકાય તે માટે રસ્તો ખુલ્લો થાય તે માટે પ્રયાસ પણ ચાલી રહ્યા છે.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે કહ્યું કે, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આપણા જિલ્લાના હોવાથી દક્ષિણ ગુજરાતને વિકાસલક્ષી કામોમાં ખૂબ ફાયદો થયો છે. અનેક યોજનાઓ સાકાર થઈ છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
જિલ્લામાં થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, વાપી અને પારડી તાલુકા પંચાયતની નવી કચેરીનું કામ ચાલુ થયુ છે અને હવે જિલ્લા પંચાયતના નવા ભવનનું પણ કામ ચાલુ થનાર છે. ૩ નવા મકાનની મંજૂરી મળી હોય તેવો એક માત્ર વલસાડ જિલ્લો છે. વધુમાં તેમણે જિલ્લા પંચાયતના વર્ગ ૧-૨ અને ૩ના કર્મચારીઓ માટે આવાસ મંજૂર કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધવલભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ બી. પટેલ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ એન.પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સની પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.એ.પટેલે કર્યું હતું. આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આવાંબાઈ હાઈસ્કૂલના શિક્ષિકા દર્શનાબેન કનાડાએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૫૩ વર્ષ પહેલા હાલનું જિલ્લા પંચાયતનું મકાન રૂ. ૯.૪૦ લાખમાં તૈયાર થયુ હતુ અને હાલનું નવુ મકાન ૧૮ મહિનાની સમય મર્યાદામાં રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે.

જિલ્લા પંચાયતના નવા મકાનની ખાસિયત શુ હશે
– નવુ મકાન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરનું બનશે
– ગ્રાઉન્ડ + ૫ માળનુ બનશે, કુલ પ્લીન્થ એરિયા ૨૮૦૨.૬૫ ચો.મીટર અને કુલ બીલ્ટઅપ એરિયા ૧૧૭૯૦.૯૫ ચો.મીટર છે
– જિલ્લા પંચાયતની દરેક શાખાને આવરી લેવાશે, વીડિયો કોન્ફરન્સ અને મીટિંગ રૂમ પણ હશે
– કુલ ૪ લીફ્ટ, સોલાર પેનલ, ફાયર સિસ્ટમ, લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશનની જોગવાઈ
– કંપાઉન્ડ વોલ, ઈન્ટરનલ રોડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, પાર્કિંગ સ્ટેન્ડ, ડ્રેનેજ વર્ક અને પંપ રૂમ
– ફૂટીંગ, કોલમ, બીમ, સ્લેબ, સ્ટેરકેશ ક્રોંકિટનું બાંધકામ એમ-૨૫ ગ્રેડમાં કરાશે

Related posts

વલસાડ જિલ્લા રાજપુત કર્ણી સેનાએ બગવાડા ટોલ પ્‍લાઝા ઉપર ચક્કાજામ કરી હાઈવે ઓથોરિટીને માથે લીધી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

Leave a Comment