જગદીશ ત્રિવેદીનાં પંચાવનમાં જન્મદિવસે એમના બે પુસ્તકોનું ભવ્યાતિભવ્ય વિમોચન થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: ગઈ તા.17/10/22 સોમવાર સવારે સુરેન્દ્રનગરના પંડીત દિનદયાળ હોલમાં ગુજરાતી ભાષાનાં સ્વનામધન્ય કલાકારો, લેખકો, કવિઓ, શિક્ષણવિદોનો મેળો ભરાયો હતો.
આપણાં સૌના જગદીશ ત્રિવેદીના તા.12/10/22ના રોજ પંચાવન વર્ષ પુરા થયા એની ખુશાલીમાં એમના જીવન ઉપર લખાયેલું પુસ્તક ‘‘વંદુ એ જગદીશને” તથા ‘‘સેવાનું સરવૈયું” એમ કુલ બેપુસ્તકોના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ થઈ ગયો. જેમાં ગુજરાતી ભાષાના દોઢસોથી વધું કલાકારો, લેખકો કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ પી.કે. લહેરી, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, જાણીતા કવિ તુષાર શુક્લ, હાસ્યકલાકાર સાંઈરામ દવે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, ઉપરાંત પદ્શ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનૂજ, જાણીતા લેખકો રજનીકુમાર પંડયા, શૈલેશ સગપરીયા, મહેશ યાજ્ઞિક, ડો.બળવંત જાની ઉપરાંત ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, જીલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, વાપીના સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા સહિત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે એક હજાર માણસોથી ખીચોખીચ ભરેલા દિનદયાળ હોલમાં સૌએ જગદીશ ત્રિવેદીની સેવાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.જે. આકાશે કર્યુ હતું.