આપના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈએ રાજુભાઈ પટેલને આપનો ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધી સળવળાટ તેજ બની ગયો છે. આજે બુધવારે વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મંગુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચાએ વિધિવત આમ આદમીમાં જોડાયાની જાહેરાત કરી હતી.
વલસાડ આમ આદમી પાર્ટી કાર્યાલયમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા રાજુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આપની વિચારધારાથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આ પ્રસંગે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જીતુભાઈ દેસાઈએ રાજુભાઈ મરચાને આપનો ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો. રાજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે મારા મિત્રો અને શુભેચ્છકો પણ ટૂંક સમયમાં આપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, રાજુભાઈનું રાજકીય જીવન ડામાડોળ થઈ રહ્યું છે ત્યારે આપનું તણખલું પકડી વૈતરણી તરવાની આ કવાયત હોય તેવું જણાઈ રહ્યું છે. સંભવિત વલસાડ બેઠક ઉપર આપ તરફથી ઉમેદવારી પણનોંધાવી શકે એવું ચર્ચાઈ રહ્યું છે.