પાણી અને ગટર મામલે સરપંચ રાજેશ પટેલે સમસ્યા ધ્યાને ન લેતા મહિલાઓએ મંત્રી જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી નજીકઆવેલ કોચરવા ગામના સરપંચ મહિલાઓને બિભત્સ ગાળો આપતા મહિલાઓએ સરપંચ વિરૂધ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ગામમાં રાજકારણ અને જુથવાદનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોચરવા ગામે કુંભારવાડ વિસ્તારમાં ગટરના ખુલ્લા વહેતા પાણી માટે નાળાની માંગણી તથા પાણીની સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓએ સરપંચ રાજેશ પટેલને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ નહી આવતા જાગૃત મહિલાઓએ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી. આ અંગે મંત્રીશ્રીએ સરપંચને ઠપકો આપ્યો હતો ત્યાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. મહિલાઓ વિરૂધ્ધ અદાવત રાખી સરપંચએ બિભત્સ ગાળાગાળી કરી અવિવેકી વર્તન કર્યું હતું. મામલો ઉગ્ર બની ગયા બાદ 50 ઉપરાંત મહિલાઓએ સરપંચ રાજેશ વિરૂધ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.