-
ફાયર વોટર બ્રાઉઝર, ફિશ માર્કેટ અને ડિલક્ષ પે એન્ડ યુઝ ટોયલેટનું લોકાર્પણ કરાયું
-
વરસાદી પાણીની ગટર, રેલવે અંડરપાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામોનું ખાતમુહૂર્ત થયુ
-
ડુંગરામાં બનનારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે પાલિકા હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 11838.95 લાખના 5 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, રૂ. 241.50 લાખના 3 કામોનું લોકાર્પણ અને ડુંગરામાં રૂ. 3576.36 લાખના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વાપી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 3158.22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાનું કામ, બલીઠા પાસે વલસાડી ઝાપા રોડ પર રેલવે વિભાગના પોલ નં. 173/15થી 173/18 વચ્ચે રૂ. 1971 લાખના ખર્ચે રેલવે અંડરપાસ બનાવવાનું કામ, રૂ. 5000.50 લાખના ખર્ચે જે ટાઈપ રીંગરોડને જોડતા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ, છરવાડા રોડ અને ટુકવાડા ખાતે રૂ. 1491 લાખના ખર્ચે હાઈવે અંડરપાસ બનાવવાનું કામ અને 15માં નાણાપંચ 2020-21ની ટાઈડ ગ્રાન્ટના બીજા હપ્તામાંથી રૂ. 218.23 લાખના ખર્ચે વાપી પાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટને રીહેબીલીટેશન અને રેટ્રોફીટીંગ તથા કન્વેન્શન રેપીડ સેન્ડ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સરકાર દ્વારા રૂ. 100 લાખના ખર્ચે ફાળવામાં આવેલા ફાયર વોટર બ્રાઉઝર, વાપી પાલિકા વિસ્તારમાં રૂ. 126.80 લાખના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન ફિશ માર્કેટ અને ફિશ માર્કેટ પાસે હેમ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખરાબાની જગ્યામાં રૂ. 14.70 લાખના ખર્ચે બનાવાયેલા ડિલક્ષ પે એન્ડ યુઝ ટોયલેટનું લોકાર્પણ મંત્રીશ્રી કનુભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાપીના ડુંગરા ખાતે રૂ.3576.36 લાખના ખર્ચે બનનારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ભૂમિપૂજન મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ મળી કુલ રૂ. 15656.81 લાખના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.