શાળાના વરિષ્ઠ શિક્ષક મનીષ સ્માર્ટે વિદ્યાર્થીઓને આપેલી બંધારણ વિશે વિસ્તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : ભારત સરકારના સામાજિક ન્યાય અનેસહકાર મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ અને દેશના 75મા ‘‘બંધારણ દિવસ” નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, દીવ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડાના સભાગૃહમાં શાળાના શિક્ષક શ્રી આરીફ લાખાવાલા અને સાથી શિક્ષકોએ બંધારણન ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી આરીફે તેમના પ્રાસંગિક સંબોધનમાં બંધારણનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના અર્થશાષાના શિક્ષક શ્રી હર્ષદ મકવાણાએ બંધારણના આત્માની પ્રસ્તાવના વાંચી સંભાળવી હતી.
શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી મનીષ સ્માર્ટે બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ‘બંધારણ’ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. તે એક લેખિત દસ્તાવેજ છે જે સરકાર અને તેની સંસ્થાઓની મૂળભૂત સંહિતા, માળખું, પ્રક્રિયાઓ, સત્તાઓ અને ફરજો અને નાગરિકોના અધિકારો અને ફરજો નક્કી કરતા માળખું નક્કી કરે છે. કાર્યક્રમના આયોજક સુશ્રી પ્રતિભાબહેન સ્માર્ટે દરેકને બંધારણના શપથ લેવડાવ્યા હતા. ‘‘બંધારણ દિવસ”ને ગૌરવ અને સન્માન સાથે ઉજવવામાં શાળાના તમામ શૈક્ષણિક અનેબિનશૈક્ષણિક સ્ટાફનો સક્રિય સહકાર રહ્યો હતો.