(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧:વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.
બેઠકમા ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના કરમબેલા ખાતે સરકારી ગૌચરણની જમીન પર વાડી બનાવી કબજો કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેના પ્રશ્નના જવાબમાં ઉમરગામના તાલુકા વિકાસ અધિકારીએ પ્રત્યુત્તર આપ્યો કે, ગૌચરની જમીનની માપણી કરાવી જે પણ ગેરકાયદે દબાણો હશે તે દૂર કરાશે. ધારાસભ્ય પાટકરે ઉમરગામ તાલુકામાં દરીયા કાંઠે નજીક રહેતા ઘરો અને વસ્તીની માહિતી માંગી હતી જેના જવાબમાં ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે દરિયા કિનારા નજીક માંગેલવાડ, પેરમ ફળિયા, સાગર કોલોની, નવીન નગરી, કામરવાડા અને કાઠા ફળિયા મળીને કુલ 290 મિલકતો અને 1180 વસ્તી હોવાનું જણાવ્યું હતું.
વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ શહેરમાં ટાવરથી શહીદ ચોક કસ્તુરબા રોડ અત્યંત ખરાબ હોવાથી કેટલા સમયમાં રિ-કાર્પેટ કરાશે એમ પૂછતા પાલિકા ચીફ ઓફિસરે કહ્યું કે, કામગીરી શરૂ કરી છે જે 7 દિવસમાં પૂર્ણ કરાશે. રેલવે દ્વારા આરપીએફ ઓવરબ્રિજ, ડુંગરી ફાટક ઓવરબ્રિજ, કાંપરી ફાટક ઓવરબ્રિજ અને વિવેક ઓવરબ્રિજ બનાવાઈ રહ્યા છે જ્યાં સાઈટ પાસ રોડ અત્યંત બિસ્માર છે જેની મરામત કામગીરી કરવા માટે જણાવતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે કહ્યું કે, રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના ડામર પેવર પટ્ટા પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે ઉમરગામના કલગામમાં 66 કેવી સબ સ્ટેશન બનાવવા માટે જેટકોને જમીન પંચાયતે આપી છે છતાં હજુ સુધી સ્થળ પર કામ શરૂ કરાયુ નથી, આ કામ કયારે શરૂ કરાશે એવો પ્રશ્ન પૂછતા જેટકો, નવસારીના અધિકારી કહ્યું કે, જમીન સંપાદનની દરખાસ્ત કરવામાં આવી છે. જે બાબતે કલેકટર પાસે વિચારાધીન છે.
ભાગ-૨ માં જિલ્લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, પ્રાયોજના વહીવટદાર એ. કે. કલસરિયા, જિલ્લા આયોજન અધિકારી મનિષ ગામીત, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક સુશ્રી નિશા રાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષક ઋષિરાજ પુવાર, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઇટાલીયા, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.