(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને દાહના કલેક્ટરશ્રીના દિશા-નિર્દેશ મુજબ તથા નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખના નેતૃત્વમાં દમણગંગા રિવરફ્રન્ટથી દમણગંગા સર્કિટ હાઉસ સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે તે અંતર્ગત ભારત સરકાર દ્વારા અખિલ ભારતીય સ્તર પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં સાપ્તાહિક સમગ્ર દેશમાં‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. દાનહમાં આ સપ્તાહ દરમ્યાન વિવિધ સરકારી વિભાગો, ઔદ્યોગિક એકમો, પોલીસ વિભાગ, ભારતીય રિઝર્વ બટાલિયન, વન વિભાગ, ફાયર વિભાગ, ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કુલ 145 જેટલી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણગંગા રિવરફ્રન્ટ ખાતે કલેક્ટર ગૌરવસિંહ રાજાવતના હસ્તે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા બાદ લીલી ઝંડી બતાવી દોડની શરૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રી સ્વયં પણ દોડમાં જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય એકતા અને અખંડતાનું સ્વપ્ન હતું તેને આજે બુલંદ કર્યું હતું. આ પરંપરાની શરૂઆત સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં કરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો વચ્ચે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને બનાવી રાખવા હેતુ જાગૃકતા લાવવા અને શક્તિ પ્રદાન કરવાનો છે અને વિવિધતામાં એકતાનો સંદેશ બુલંદ કરવાનો છે.