કચીગામ ખાતે આવેલ દિપાલી બારમાં મોટેથી વાત નહીં કરવાનું કહેતાં બાજુમાં બેસેલા યુવકોએ ધારદાર શસ્ત્રોથી કરેલો હુમલોઃ 4 આરોપીઓની ગણતરીની મિનિટમાં દમણ પોલીસે કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : વાપીના હિરલ પાર્ક ખાતે રહેતા વેટરનરી ડોક્ટરનો પુત્ર શુક્રવારે પોતાના મિત્રો સાથે પોતાના જન્મ દિનની પાર્ટી માટે દમણના દિપાલી બારમાં ગયા હતા. જ્યાં બાજુના ટેબલ ઉપર બેઠેલા ચાર જેટલા યુવાનો જોર જોરથી બરાડા પાડી શોર મચાવતા વેટરનરી ડોક્ટરના પુત્રએ અવાજ ધીમો કરવા કહેતાં સામાન્ય ઝઘડો થયો હતો. ત્યારબાદ પાર્ટી ખતમ કરી બહાર આવતાં પડોશની ટેબલ ઉપર બેઠેલા યુવાનોએ ધારદાર હથિયારથી હુમલો કરી વેટરનરી ડોક્ટરના પુત્રને ગંભીર ઈજા પહોંચાડતાં તેમનું મોત થયું હતું અને અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા હતા.
ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપીના હિરલ પાર્ક ખાતે રોયલ જેમ્સમાં રહેતા વેટરનરી ડોક્ટર પિયુષ પટેલનો એકનો એક પુત્ર ઋતુલ પટેલ (ઉ.વ.26) ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. પરંતુ પોતાના જન્મ દિવસ મનાવવા માટે ત્રણ દિવસ પહેલાં વાપી આવ્યો હતો.શુક્રવારે સાંજે પોતાના મિત્રો મેહ પટેલ અને આકાશ પટેલ સાથે દમણના કચીગામ સ્થિત દિપાલી બારમાં પાર્ટી કરવા માટે ગયા હતા. જ્યાં બાજુના ટેબલ ઉપર બેઠેલા (1)સુશીલ પાંડે (ઉ.વ.19), (2)વિશાલ જમાદાર (ઉ.વ.20) બંને રહે ટાંકી ફળિયા, વાપી, (3)સબ્બીર મોહંમદ નઈમ (ઉ.વ.24) રહે. કોળીવાડ ચાર રસ્તા વાપી અને (4)ભાવિન ઉમેદ પટેલ(ઉ.વ.30) રહે. વેલપરવા પારડી. જેઓ ચારેય ઊંચા અવાજે બોલતા હતા તેથી ઋતુલ અને એના મિત્રોએ ધીમે વાત કરવાનું કહેલું. જેમાં સામાન્ય ઝઘડો થયો હતો અને ત્યારબાદ બારની બહાર ઊંચા અવાજે વાતો કરતા ચારેય યુવાનોએ ધારદાર હથિયારોથી ઋતુલ સહિત ત્રણેય મિત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઋતુલ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના બાદ દોડી આવી હતી અને બન્ને ઘાયલ નેહ અને ધવલને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
ઋતુલના મૃતદેહનો કબજો લઈ પોલીસે મોટી દમણ સી.એચ.સી.માં પી.એમ. માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર ચારેય આરોપીઓને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.