નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ-2022 ઋતુમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન થયું હતું. જે અંગે રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ’ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના 14 જિલ્લાઓના 2254 ગામો પૈકી નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર થાય છે . જેમાં જલાલપોર તાલુકાના 46, નવસારીના 62, ગણદેવીના 56, ખેરગામના 20, ચીખલીના 66 અને વાંસદા તાલુકાના 96 ગામોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે.
આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારો digitalgujarat પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ VCA મારફત જરૂરી સાધનિક કાગળો જેવા કે તલાટીનો પાક વાવેતરનો દાખલો, 7-12 અને 8-અ ની નકલ, બેન્ક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ખેડૂત ખાતેદારનો મોબાઈલ નંબર સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચુકવણું કરવાનુ રહેશે નહિ. સંયુક્ત ખાતાધારકે સંમતિ પત્રક/કબૂલાતનામુ પણ સાથે જોડવાનુ રહેશે. ખેડૂતોએ આગામી તા.25 નવેમ્બર-2022 સુધી ગ્રામ પંચાયતકક્ષાએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે માટે ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ મેળવી ખેડૂત ખાતેદારે સહી કરી અરજી ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કે ગ્રામ સેવકને આપવાની રહેશે.
જે ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરેલી હશે તેવા ખેડૂતોને જ કૃષિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર થશે. નવસારી જિલ્લાના ખેડૂતો કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માંગતા હોયતો તેઓએ સાધનિક કાગળો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ સેવક, તાલુકા વિસ્તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.