(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત (N.S.S.) રાષ્ટ્રીય સેવા યોજનાનો યુનિટ કાર્યરત છે. આ યોજનામાં ભાગ લેનાર દરેક સ્વયંસેવકો સેવા ભાવથી વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસની સેવામાં ભાગ લેતા હોય છે. 15 ઓગસ્ટ, 2024ના રોજ, દિપક સિંહ (T.Y.B.C.A.), એક સમર્પિત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) સ્વયંસેવક, નવી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્વતંત્રત દિનની ઉજવણીમાં ભાગ લેવા અતિથિ વિશેષ તરીકે માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત આમંત્રણ સ્વયંસેવકોના યોગદાન અને સમાજ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર દેખાવ દર્શાવે છે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રતિક એવા લાલ કિલ્લા પર સ્વતંત્ર દિનની ઉજવણી રાષ્ટ્રીય ગૌરવનું ભવ્ય પ્રદર્શન હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 24 સ્વયંસેવકો આમંત્રિત હતા જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફક્ત સદર કોલેજનાસ્વયંસેવકની પસંદગી થતા કોલેજ પરિવારમાં આનંદની અને ગૌરવની લાગણી અનુભવી હતી.
N.S.S. યુનિટની દરેક સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન તેમજ માર્ગદર્શન અને સ્વયંસેવકોની પસંદગી N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ લાલ કિલ્લા, નવી દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ ટ્રસ્ટીગણે વિદ્યાર્થીનો અભાર માની ભવિષ્યમાં પણ દેશની સેવામાં ભાગીદાર બની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
