તમામ સભ્યો ઈ-બસની આરામદાયક બેઠક વ્યવસ્થા, ઘોંઘાટ વગરનું પરિવહન, એ.સી.ની યોગ્ય વ્યવસ્થા તથા શિષ્તબદ્ધ સંચાલનથી ખુબ જ પ્રભાવિત થઈ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને પ્રદૂષણ મુક્ત લક્ઝરિયસ બસ સેવા શરૂ કરવા બદલ દિલથી માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તાજેતરમાં યોજાયેલ રોજગાર મેળાના સમારંભમાં સ્માર્ટ સીટી સેલવાસ દ્વારા શરૂ કરાયેલ ઈ-બસની સુવિધાનો લાભ લઈ મુસાફરોને પણ સ્વચ્છતાની બાબતમાં જાગૃત કરવા આપેલી સલાહના પગલે આજે દમણ જિલ્લા પંચાયતનાપ્રમુખ શ્રી નવિનભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના સભ્યોએ જમ્પોર સુધી એ.સી. ઈ-બસની સફરનો લ્હાવો લીધો હતો.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન હળપતિ, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રી સદાનંદભાઈ મીટના અને શ્રી યોગેશભાઈ પટેલ ઈ-બસની સફરમાં જોડાયા હતા. તમામ સભ્યો ઈ-બસની આરામદાયક બેઠક વ્યવસ્થા, ઘોંઘાટ વગરનું પરિવહન, એ.સી.ની યોગ્ય વ્યવસ્થા તથા શિષ્તબદ્ધ સંચાલનથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી તથા પ્રદેશ માટે પ્રદૂષણ મુક્ત લક્ઝરિયસ બસ સેવા શરૂ કરવા બદલ દિલથી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો.