-
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
-
મતદાર પાસે ઈલેકશન કાર્ડ ન હોય પણ મતદાર યાદીમાં નામ હોય તો અન્ય પૂરાવા રજૂ કરી મતદાન કરી શકશેઃ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
-
દારૂ અને રોક્ડ રકમની હેરફેર ઉપર વોચ રાખવા માટે સરહદ પર 72 ટીમ તૈનાત કરાઈ
-
મતદારોની સુવિધા માટે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા. 4
વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 પૂર્ણ પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારોને અપીલ કરતા જણાવ્યું કે, જે મતદારો પાસે ઈલેકશન આઈડી ન હોય પણ મતદાર યાદીમાં તેમનું નામ હોય તો તેઓ અન્ય 12 પૂરાવા પૈકી કોઈપણ એક પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું કે,વલસાડ જિલ્લામાં તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે તો તેની તમામ તૈયારી ચૂંટણી તંત્ર દ્વારા આટોપી દેવામાં આવી છે. 1392 મતદાન મથકો પર કુલ 1326460 મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા પ્રશાસન સજ્જ છે. જિલ્લામાં 18-19 વર્ષના કુલ 31412 યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભા 2017ની ચૂંટણીની સરખામણીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં 162323 મતદારોનો વધારો થયો છે. જે ટકાવારીની દ્રષ્ટીએ 13.94 ટકા છે. જિલ્લામાં સમાવિષ્ટ તમામ 5 વિધાનસભા મતવિભાગમાં 7 મતદાન મથકો મહિલા અધિકારી અને કર્મચારીઓ સંચાલિત છે જેના પર પોલીસ બંદોબસ્ત પણ મહિલા પોલીસનો જ હશે. 1392 મતદાન મથકો પૈકી 372 મતદાન મથકો સંવેદનશીલ છે. અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપીએફની ટીમ તૈનાત રહેશે. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સી વિજીલ એપ (આદર્શ આચારસંહિતા સંબંધે ફરિયાદ માટે), સુવિધા પોર્ટલ (રાજકીય પક્ષો અને ઉમેદવારોની સુવિધા માટે/ ઓનલાઈન ઉમેદવારી ફોર્મ, એફિડેવીટ અને સભા સરઘસની મંજુરી માટે), પીડબલ્યુડી મતદાન મથક(દિવ્યાંગ મતદારો માટે), મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ ચકાસવા, નામ ઉમેરવા, નામ કમી કરવા કે સુધારો કરવા માટે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (એનવીએસપી)ની સુવિધા ઉભી કરવામાં આવી છે તેમજ હેલ્પલાઈન નંબરમાં ટોલ ફ્રી નંબર 1800 233 2610, લેન્ડ લાઈન નંબર 02632-297019, સ્વીપ એક્ટિવિટી, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, આદર્શ મતદાન મથક અને અલગ અલગ સ્કવોડ વિશેની માહિતી પુરી પાડી હતી.
વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની સરહદે આવેલો હોવાથી આચાર સંહિતા મોનટરીંગ માટે પાલધર, નાસિક, અને દમણ-સેલવાસના કલેકટર અને પોલીસ વડા સાથે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી વલસાડ જિલ્લાના પ્રવેશ માર્ગ પર ચેક પોસ્ટ કાર્યરત કરી છે. જેના પર ફ્લાઈંગ સ્કવોડની 20 ટીમ, સ્ટેટીક સર્વેલન્સની 20 ટીમ અને વીડિયો સર્વેલન્સ સહિતની અન્ય ટીમ મળી કુલ 72 ટીમ તૈનાત રહેશે. જે દારૂ તેમજ રોકડની હેરફેર ઉપર વોચ રાખશે. કોઈપણ વ્યક્તિ કે ઉમેદવાર રૂ. 50 હજારથી વધુ રોકડ રકમ સાથે લઈ જતા હશે તો તે સીઝ કરવામાં આવશે. સ્ટાર કેમ્પેઈનર પાસે રૂ. 1 લાખથી વધુ રોકડ રકમ હશે તો સીઝ કરાશે અને કોઈ પણ સ્થળે રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો ઈન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરશે. જો કે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે વ્યકિત પાસે રૂ. 50 હજારથી વધુની રકમ મળશે તો તે વ્યકિત આધાર-પુરાવા સાથે વેલીડ કારણ રજૂ કરશે તો 24 કલાકમાં નાણાં પરત કરવામાં આવશે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કહ્યું કે, સંવેદનશીલ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જ્યાં કનેક્ટીવિટી ન હશે ત્યાં વીડિયો શુટીંગ કરાશે. કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ ગુપ્ત રાખીને આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ કરી શકશે. જેનો 100 કલાકમાં ઉકેલ લાવવાનો રહેશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહ, વિધાનસભા મતદાર વિસ્તાર 178 ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા, 179 વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, 180 પારડી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સની પટેલ, 181 કપરાડા જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત અને 182 ઉમરગામ બેઠકના પારડીના પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, વલસાડ માહિતી ખાતાની ટીમ તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.