સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્ટો અને પ્રસ્તાવોને પ્રશાસકશ્રીની દિલ્હી મુલાકાત દરમિયાન મળનારી ગતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્રના ટેક્સટાઈલ, વાણિજ્ય અને ઉદ્યોગ તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલની મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના કેટલાક પડતર પ્રશ્નો બાબતે પણ ઊંડાણથી ચર્ચા-વિચારણાં કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કેન્દ્રના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાથે કરેલી શુભેચ્છા મુલાકાતમાં બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુદ્દે ફળદાયી ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હાલમાં દિલ્હીની મુલાકાતે છે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્ટો અને પ્રસ્તાવોના કાર્યાન્વયનની બાબતમાં ગતિઆવવાની સંભાવના જોવાઈ રહી છે.