દાદરા સ્થિત ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લિફટ તૂટી પડતાં કામદારને ગંભીર ઇજાઃ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લોડિંગ-અનલોડીંગ વાળી લિફટ તૂટી જતાં જેમાં કામ કરતા એક કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ખાતે આવેલી ઓલ પેક પેકેજીંગ કંપનીમાં નિરોન નિંગ નામનો કામદાર ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યો છે, જે સામાન લાવવા લઈ જવા માટે લગાવવામાં આવેલ લિફટમાં લોડીંગ-અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક લિફટ તૂટી પડતાં નિરોન જમીન પર પટકાયો હતો. જેના કારણે એના પગમાં અને કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બે-ત્રણ દિવસ આ વ્યક્તિને આઇસીયુવોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં દાદરા પોલીસ એમ.એલ.સી.ના આધારે કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દાનહની કેટલીક કંપનીઓમાં વારંવાર લાપરવાહીથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવતી નથી અને કંપની સંચાલક પણ એને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે. હાલમાં નિરોન નીંગના પરિવારના કોઈપણ નથી અને એની સાર-સંભાળ રાખનારા પણ કોઈ જ નથી. નિરોન કંપનીમાં ઘણાં લાંબા સમયથી કામ કરે છે પરંતુ હજી સુધી આઈકાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવેલ નથી. કંપનીમાં ફાયર જેવી ઘટના બને તો ફાયર વિભાગની ગાડીને લઈ જવાનો રસ્તો પણ નથી. આ કંપની કાગળના ફુટરોલમાંથી બોક્સ બનાવે છે અને કંપનીના ઉપર વર્કરોને રહેવા માટે બનાવવામાં આવેલ રૂમની પરવાનગી કોણે આપી? એ પણ એક સવાલ છે. આ કંપની સંપૂર્ણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.