-
આઈપીસીની વિવિધ કલમો હેઠળ જેલ અને દંડની પણ સંભળાવેલી સજા
-
2017ના જાન્યુઆરીમાં ઘટેલી ઘટનામાં અપહરણકર્તાઓની ચુંગાલમાંથી યેનકેન રીતે છટકવા સફળ રહેલો પીડિતઃ અપહરણકર્તાઓએ રૂા.2 કરોડની અપહ્યુતના પિતા પાસે કરી હતી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 15 : સેલવાસના જિલ્લા અને સત્ર ન્યાયાધિશે અપહરણ અને ખંડણીના એક કેસમાં 6 આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન જેલની સજાનો શકવર્તી ચુકાદો આપ્યો છે અને દોષિતોને સાથે દંડની સજા પણ સંભળાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 24મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રમોદકુમાર શરાફ રહે.વાપી મૂળ રહેવાસી ઝુનઝુનુ રાજસ્થાને પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની નરોલી ખાતે આવેલ બાબા વૈદનાથ કંપનીમાંથી કેટલાક અજાણ્યાલોકો તેમના પુત્ર ભરત પ્રમોદ શરાફનું અપહરણ કરી લઈ ગયા છે અને ભરતને છોડાવવા માટે રૂા.2 કરોડની માંગણી કરી છે.
સેલવાસ પોલીસે આઈપીસીની 394, 364એ, 342, 506 કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અપહૃયુત ભરત શરાફ યેનકેન રીતે અપહરણકર્તાઓની ચુંગાલમાંથી ભાગી નિકળવા સફળ રહ્યો હતો. પોલીસે ભરત શરાફની કરેલી પૂછપરછમાં આ ગુનામાં 6 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં (1) બાલિદ (2) ગોડવિન (3) સિરાજ (4) રોહિત (5) મુકેશ અને (6) પ્રકાશની ધરપકડ કરી કેસની સઘન તપાસ કરી હતી અને કોર્ટમાં 25 એપ્રિલ, 2017ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
લગભગ પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી સુનાવણી દરમિયાન 20 સાક્ષીઓને સાંભળવામાં આવ્યા હતા.
આજે જિલ્લા અને સત્ર ન્યાયાધિશ શ્રી એસ.એસ.આડકરે સુનાવણી દરમિયાન સાક્ષીઓ અને પુરાવાને ધ્યાનમાં લઈ આરોપી (1) બાલિદ (2) ગોડવિન (3) સિરાજ (4) રોહિત (5) મુકેશ અને (6) પ્રકાશને દોષિત ઠેરવી આઈપીસી 394માં 10 વર્ષની સજા અને પાંચ હજારનો દંડ, કલમ 364એમાં આજીવન જેલ અને રૂા.10 હજારનો દંડ, આઈપીસી 342માં 1 વર્ષની સજા અને એક હજારનો દંડ તથા આઈપીસી 506માં 1 વર્ષની સજા અને એક હજારના દંડની સજાફટકારવાનો આદેશ જારી કર્યો હતો. આ કેસમાં સરકારી વકિલ શ્રી ગોવર્ધન પુરોહિતે કરેલી ધારદાર દલીલથી આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે.