પ્રફુલ ગામિત અને શંકર ગામિત વાપીમાં નોકરી મળી હોવાથી રૂમના તપાસ કરવા ચીખલીથી વાપી આવવા નિકળ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ હાઈવે વાંકી નદીના પુલ પાસે આજે બુધવારે સવારે 10 વાગ્યાના સુમારે ચીખલીથી મોપેડ ઉપર વાપી આવવા નિકળેલ બે મિત્રના મોપેડને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચલાવતા મિત્રનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ મિત્ર ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વલસાડ હાઈવે અકસ્માત ઝોનપુરવાર થઈ રહ્યો છે, લગભગ રોજેરોજ નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે તેવો વધુ એક અકસ્માત આજે સવારે થયો હતો. ચીખલી હોસ્પટેલમાં રહી સી.પેડનો કોર્ષ કરી રહેલા પ્રફુલ રતિલાલ ગામિત અને શંકર ગામિત બંને રહે. સોનગઢ વ્યારા બંને મિત્રોને વાપીની કંપનીમાં નોકરી મળી હતી. તેથી રહેવા માટે રૂમ શોધવા માટે મોપેડ નં.જીજે-26-ક્યુ-8313 ઉપર નિકળ્યા હતા. સવારે વલસાડ વાંકી નદી પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલ શંકર ગામીતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ પ્રફુલ ગામીતને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટના સ્થળે પહોંચી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.