(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અને જિલ્લા ભાજપની ટીમે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને આવનાર શ્રી ગણેશ મહોત્સવ દરમ્યાન શ્રીજીની મુર્તિની ઊંચાઈ, ડી.જે.ના સમય તેમજ શાંતિ, સલામતી બાબતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી.
ગૃહમંત્રીશ્રીએ શ્રી ગણેશ મહોત્સવ હર્ષોઉલ્લાસ, ધામધૂમથી, ભક્તિસભર માહોલમાં ઉજવાઈ એ માટે બાહેંધરી આપી ત્વરિત સંબંધીત તંત્રને જરૂરી સૂચનો કરવા ખાત્રી આપી.
વલસાડ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા ગત 19 જૂનના રોજ વલસાડના ભાગડવાડા સ્થિત શ્રી અંબા માતાજી મંદિર ખાતે વલસાડના શ્રી ગણેશ મહોત્સવના આયોજક મંડળો સાથે બેઠક કરી હતી. જેમાં શ્રીજીની મૂર્તિની ઊંચાઈ અને ડી.જે. બાબતે આયોજકો દ્વારા સર્જાયેલ મથાગાંઠ અંગે સાંસદ શ્રી ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. જે અંગે સાંસદશ્રી દ્વારા આ અંગે જિલ્લા ભાજપ સંગઠન સાથે જરૂરી ચર્ચાવિચારણા કરી ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળી યોગ્ય નિકાલ લાવવાની ખાત્રી આપી હતી. જે અન્વયે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અને જિલ્લા ભાજપની ટીમ દ્વારા ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી આવનાર શ્રી ગણેશ મહોત્સવ હર્ષોઉલ્લાસ, ધામધૂમથી ઉજવાઈ અને શાંતિ સલામતી પણ જળવાઈ રહે એ અંગે સંબંધીત તંત્રને જરૂરી સુચનો કરવા વિનંતી કરી હતી. જે બાબતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે બાહેંધરી આપી શ્રીજીનો મહોત્સવ ધામધુમ સાથે ઉજવાઈ તે અંગે સંબંધિત તંત્રને જરૂરી સૂચનો કરવાની ખાત્રી આપી છે.