(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે સંદર્ભે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ચૂંટણી – 2022ના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત તા. 15 નવેમ્બર 2022ના રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સી.બી. હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી મામલતદારશ્રીએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, એજ્યુકેશન ઈન્સ્પેક્ટરશ્રી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર તેમજ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. વશિયર, સેગવી, તિથલ થઈ સર્કિટ હાઉસ પર બાઇક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ સ્કૂલના 120 જેટલા શિક્ષક ભાઈ બહેનોએ ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી.