વાપી, વલસાડ, ઉમરગામ સહિત તમામ વિસ્તારના વિવિધ રાજસ્થાની સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા રાજસ્થાની સમાજના અગ્રણી તેમજ જિલ્લા વિ.પ્ર. ફાઉન્ડેશનના પૂર્વ અધ્યક્ષ સુરેશ પારીકના નિધન પર સર્વ રાજસ્થાની સમાજ દ્વારા રવિવારે વાપીમાં શ્રધ્ધાંજલી સભા યોજાઈ હતી.
રાજસ્થાન ભવનમાં યોજાયેલ શ્રધ્ધાંજલી સભામાં રાજસ્થાન પ્રગતિ મંડળ, વિ.પ્ર. ફાઉન્ડેશન, પારિક સમાજ, જાટ સમાજ પરિષદ, અગ્રવાલ સેવા સમિતિ માલી સમાજ, રાજપૂત સમાજ, બિશ્નોઈ સમાજ, રાજસ્થાન જૈન એકતા મંચ, ગૌડ બ્રાહ્મણ સમાજ, હરિયાણા સમાજ, સાલાસર હનુમાન પ્રચાર મંડળ સહિતના વિવિધ સમાજના સંગઠનો સ્વ.સુરેશ પારીકની શ્રધ્ધાંજલી સભામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વ.સુરેશ પારીકની તસવીર ઉપર ભાવભરી પુષ્પાંજલી સાથે સૌએ શ્રધ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાજસ્થાન પ્રગતિ મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી બી.કે. દાયમાએ જણાવ્યું હતું કે, તેમના નિધનથી સમગ્ર રાજસ્થાન સમાજમાં ના પુરાય તેવી મોટી ખોટ પડી છે. તેઓ મિલનસાર સ્વભાવના તેમજ સરલ સ્વભાવ, સેવાભાવી હતા. તેમની સમાજ સેવાના યોગદાનની સમાજ હંમેશા યાદ રાખશે.