રસોયાની ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાની કૃત્યબાદ દાદાગીરી : શાળાને તાળા મારી દઈશું, મારા પરિવારે જમીન દાન આપી છે
![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/12/WhatsApp-Image-2023-12-27-at-4.15.46-PM-1-1024x462.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે 21મી સદીમાં પણ અંધશ્રધ્ધા ઘર કરી ગઈ હોય તેવા બનાવો બનતા રહ્યા છે તેવો વધુ એક બનાવ ધરમપુરના નડગધરી ગામે પ્રાથમિક શાળા નજીક માનતા પુરી કરવા હેતુ સાદડપાડા સ્કૂલના રસોયા દ્વારા શાળામાં બે ભગત બોલાવી 25 નારિયેળ, 12 મરઘા અને બકરાની બલી ચઢાવી વિધિ કર્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
ધરમપુર નડગધરી ગામની સાદડપાડા સ્કૂલના એસ.એમ.સી. કમિટિના સભ્યોએ ઘટનાનો વિરોધ કરવા તેમજ આ કૃત્ય કરનારાઓ વિરૂધ્ધમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. કમિટિ સભ્યો જગદીશભાઈ ચૌધરી, દિનેશભાઈ ભોયા, છગનભાઈ ગાયકવાડે કરેલ પોલીસમાં લેખિત ફરિયાદ મુજબ રસોયા ગંજુભાઈ ધાકલભાઈ ભોયા અને તેમના કાકડભાઈની સહિયારી જમીન જે તે સમયે શાળા માટે દાનમાં આપી હતી. ગંજુભાઈ હાલમાં રસોયાની ફરજ બજાવે છે. તેમણે બે ભગત બોલાવી 12 મરઘા, 25 શ્રીફળ અને એક બકરાની બલી વિધિ કરી હતી. તેથી લોકોમાં ઉકેલી ચર્ચા બાદ લોકોને ડરાવી-ધમકાવી શાળાને તાળા મારી દઈશ સુધી ધમકી આપી હતી. શાળામાં 264 વિદ્યાર્થી ભણે છે. હોસ્ટેલમાં 25વિદ્યાર્થિની અને 50 વિદ્યાર્થી રહે છે. તેમના કુમળા માનસ ઉપર આવી ઘટના પ્રભાવ પાડી શકે છે. આ વિધિ શાળાથી 300 મીટર દૂર કરવામાં આવી છે. જ્યાં હાલ કંકુ, સિંદુર, નારિયેળ, મરઘાના પીછા જોવા મળી રહ્યા છે. આ અંગે પોલીસ અને પ્રાંતમાં લેખિત અરજી બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી.