ઉમરસાડીના સ્થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું છે. આગામી તા.8મી ડિસેમ્બર સુધી ફાટક બંધ રહેતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો શરૂ થઈ ચૂક્યો છે.
ઉમરસાડી ગામના રહિશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, નોકરીયાતો પારડી ફાટકથી જ અવર જવર કરે છે પરંતુ આજ તા.02 થી આગામી તા.08 ડિસેમ્બર સુધી રેલવે તંત્રએ ફાટક સાત દિવસ માટે બંધ કરી દીધું છે. લાઈન મેઈન્ટેનન્સ માટે બંધ કરાયેલ ફાટકને લઈ સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. ઉમરસાડીના લોકોએ અને વાહન ચાલકોએ પારડી આવવું હોય તો મોતિવાડા બ્રિજ થઈ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. રોજીંદા અપડાઉન કરતા તથા વિદ્યાર્થીઓ, દર્દીઓ માટે પારડી ફાટક બંધ થઈ જતા ભારે મુશ્કેલીનો સામનો આગામી સાત દિવસ માટે કરવો પડશે. આમ પણ રેલવે તંત્ર દ્વારા ઉમરગામથી વલસાડસુધી અનેક ફાટકો વારંવાર બંધ થતા રહે છે. ક્યાંક ઓવરબ્રિજના કામ અર્થે કાં તો મેઈન્ટેનન્સ માટેના કારણો ઉભા થતા રહ્યા છે.