આલીપોરની જમીનમાં ગણોતીયાનો હુકમ રદ થયેલ હોવા છતાં મામલતદાર અને કળષિપંચ સમક્ષ ખોટી અરજી અને સોગંદનામું રજૂ કરી પોતાનું નામ દાખલ કરાવી કરેલી છેતરપીંડી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: આલીપોર ગામના માજી સરપંચ વિરૂધ્ધ આલીપોરની જમીનમાં ગણોતીયાનો હુકમ રદ થયેલ હોવા છતાં મામલતદાર અને કળષિપંચ સમક્ષ ખોટી અરજી અને સોગંદનામું રજૂ કરી પોતાનું નામ દાખલ કરાવી છેતરપીંડી કરી હોવાનો ગુનો નોંધી ચીખલી પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ આલીપોર ગામના બ્લોક નંબર 1051, 1065, 1069, 1074 તથા 613 વાળી 1-23-43 (હે.આરે.ચો.મી) ક્ષેત્રફળ ધરાવતી ખેતી લાયક જમીન કે જે જમીન ઈમરાનભાઈ મિયામહમદ લેર વિગેરેના નામે ચાલી આવેલ છે. અને આ જમીનના વારસદારો સાઉથ આફ્રિકા રહેતા હોય વારસાઈ તથા વહીવટી પ્રક્રિયા માટે પાવર ઓફ એટર્ની આપી ફરિયાદી અકિલ ઈમ્તિયાઝ ચરિવાલા (રહે.આલીપોર તા.ચીખલી) ને કુલમુખત્યાર તરીકે નિમેલ.
ઉપરોક્ત બ્લોક નંબર વાળી જમીનમાં આરોપી સુમનભાઈ મણીભાઈ નાયક ઉર્ફે પટેલ (રહે.આલીપોર તા.ચીખલી) ને ગણોતીયા ઠરાવતો હુકમ 1999 માં ચીખલીના મામલતદાર અને કળષિપંચ દ્વારાકરાયો હતો. જે હુકમ નિવાસી નાયબ કલેકટર કે.કે.દુધાત દ્વારા રીવ્યુમાં લઈ રદ કરેલ અને સદર જમીનમાં તેમને ગણોતીયા ન માણવા હુકમ ફરમાવવામાં આવેલ સાથે આ જમીન સરકાર હસ્તક કરવા પણ હુકમમાં જણાવાયું હતું. આ અંગેની માહિતી હોવા છતાં સુમનભાઈએ છેતરપીંડી કરવાના ઈરાદે આ હુકમને છુપાવી મામલતદાર અને કળષિપંચ ચીખલીની કોર્ટમાં ખોટી અરજી અને સોગંદનામું રજૂ કરી જમીનની ખરીદ કિંમત નક્કી કરવા દાદ માંગ હતી. અને આ ખોટા હુકમ સોગંદનામા રજૂ કરી જમીનના મૂળ મલિક તરીકે પોતાનું નામ દાખલ કરાવતા તે અંગેના કેસ પણ નાયબ કલેકટર કે.જી.વાઘેલાની કોર્ટમાં રિવ્યુમાં લેવાતા ત્યાં પણ સુમનભાઈને ગણોતીયા ઠરાવવાનો હુકમ 2002 ના વર્ષમાં રદ થયો હોવાનું ધ્યાન કુલમુખત્યાર વકીલ દ્વારા ધરવામાં આવ્યું હતું.
ખોટા સોગંદનામાઓ તથા ખોટા અને બોગસ હુકમો ના આધારે જમીન ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી છેતરપીંડી કરી હોવા મુજબનો આલીપોરના માજી સરપંચ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ઉપરોક્ત છેતરપીંડીના ગુનામાં મદદગારી કરનાર અન્ય આરોપીઓના નામો પણ બહાર આવે તો નવાઈ નહિ.