દિવ્યાંગ બાળકોને વાલીઓ મેળામાં લઈ જવામાં સંકોચ અનુભવતા હોવાથી શાળા દ્વારા રાઈડ્સ પણ મંગાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13 : વલસાડના કૈલાસ રોડ પર બિસ્કિટવાળા કંપાઉન્ડની બાજુમાં જયના અનુપમ એન.પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્રમાં વિશ્વ વિકલાંગ દિન તથા માનસિક વિકલાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દિવ્યાંગ બાળકોને વાલીઓ કોઈ મેળામાં લઈ જવા તથા રાઈડ્સમાં બેસાડવા માટે સંકોચ અને ડર અનુભવતા હોય છે. પરંતુ આ બાળકો પણ રાઈડ્સની મજા માણી શકે તે માટે ખાસ કરીને ટેમ્પોલીન તથા ટોય ટ્રેનની રાઈડ્સ મંગાવવામાં આવી હતી. જેની દિવ્યાંગ બાળકોએ ભરપેટ મજા માણી હતી. પોતાના બાળકોના ચહેરા પર સ્મિત આવતા વાલીઓ અને શાળા પરિવારના સભ્યોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. બાળકોએ શિક્ષકો અને વાલીઓની મદદથી રાઈડ્સનો આનંદ માણ્યો હતો. જે જીવનભર યાદગાર રહ્યો હતો. બપોર પછી બાળકો પાસે ચિત્રકામ પણ કરાવવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ રંગબેરંગી કલરો ભરી અનેક ચિત્રોને આકર્ષક બનાવ્યા હતા. ઉજવણી -સંગેરાઈડ્સ અને ભોજનની તમામ વ્યવસ્થા ડો. ચેતનાબેન દાવડા તરફથી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં દક્ષેશભાઈ ઓઝા, પરસોત્તમભાઈ માકડિયા, ઉષાબેન ઓઝા અને મયુરભાઈ પટેલે હાજરી આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.