યુવા મહોત્સવમાં એક સ્પર્ધક તરીકે નહીં પરંતુ તમે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સાંસ્કૃતિક રાજદૂત તરીકે જઈ રહ્યા હોવાની ખેલ અને યુવા વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાએ આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : 12 જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી, 2023ના વચ્ચે કર્ણાટકના હુબલી-ધારવાડ ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના 100 સભ્યોનું એક દળ આજે રવાના થયું હતું. જેઓ રાષ્ટ્રીય મહોત્સવમાં લોકનૃત્ય, ગીત અને અન્ય ગતિવિધિઓમાં પોતાની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રોત્સાહક અને પ્રભાવશાળી અભિગમના કારણે પ્રદેશના યુવાનોને પોતાની પ્રતિભાને નિખારવા વિવિધ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ પ્રદેશમાં મળી રહ્યું છે. જેના કારણે આજે પ્રદેશના યુવાનો રમતગમતની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ રાષ્ટ્રીય સ્તરે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ રોશન કરી રહ્યાછે.
યુવા આઈકોન સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ 12મી જાન્યુઆરીને ભારત સરકાર દ્વારા દર વર્ષે ‘યુવા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસથી શરૂ થતાં સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે આ વખતે કર્ણાટક હુબલી-ધારવાડ ખાતે યુવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. તેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના 100 સભ્યોનું દળ ભાગ લેવા માટે રવાના થતાં પહેલાં ખેલ અને યુવા વિષયક વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાએ ખેલ વિભાગ તથા નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રશાસન તરફથી શુભકામના પાઠવી હતી અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની કામના પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ મહોત્સવમાં એક સ્પર્ધક તરીકે નહીં પરંતુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સાંસ્કૃતિક રાજદૂતના રૂપમાં ભાગ લઈ રહ્યા છો.