સંઘપ્રદેશના પ્રશાસક તરીકેના 77 મહિનાના કાર્યકાળમાં પ્રફુલભાઈ પટેલે સર્વાંગી વિકાસની સાથે સાથે પ્રશાસનિક નીતિમત્તાનું પણ પુરૂં પાડેલું દૃષ્ટાંત 
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગામી 26મી જાન્યુઆરીએ પોતાના ચોથા મર્જરદિવસની ઉજવણી કરશે. દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનિકરણ થયા બાદ રાષ્ટ્રીય સ્તરે પણ આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશનું કદ અને નામ વધવા પામ્યું છે. એક રીતે જોવા જઈએ તો ભારત સરકારના પૂર્વ શાસકોની ઉદાસિનતાથી પડોશમાં આવેલા આ બંને ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશને એક બનાવવાની બહુ પહેલાથી જરૂરિયાત હતી. મોદી સરકારે વર્ષોની ભૂલને સુધારી હવે એક બનેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ક્ષેત્રે પ્રગતિ થાય તેવા આયોજનો હાથ ધર્યા છે.
મોદી સરકારે 2016ના ઓગસ્ટમાં લીધેલા ક્રાંતિકારી નિર્ણયના પગલે પહેલી વખત પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપ નોન આઈ.એ.એસ. પ્રશાસકના સ્વરૂપમાં કર્મઠ અને વિકાસની નાડ પારખનારા શ્રી પ્રફુલભાઈ પટેલનો કાર્યકાળ શરૂ થયો છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના અત્યાર સુધીના 77 મહિનાના કાર્યકાળ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની કલ્પનામાં પણ નહીં હતા એ પ્રકારના વિવિધ ક્ષેત્રે વિકાસના કામો થયા છે. વિકાસની સાથે સાથે પ્રશાસનિક નીતિમત્તા કોને કહેવામાં આવે તે પણ પહેલી વખત જોવા મળી રહ્યું છે.
દાદરા નગર હવેલીના અબૂધ આદિવાસીને પણ ન્યાય મળે અને તેની સાથે કોઈ છેતરપીંડિ કરવાની હિંમત નહીં કરી શકે તે પ્રકારની પ્રશાસનિક વ્યવસ્થા પહેલી વખત ઉજાગર થઈછે. ભ્રષ્ટ અધિકારીઓનો પ્રત્યેક દિવસ ગભરાટમાં રહે અને ભૂતકાળમાં કરેલી પાપલીલાનો રેલો તેમના સુધી તો નહીં પહોંચે ને, તેની ચિંતામાં દિવસ પસાર કરવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. જેના કારણે ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ પેદા થયો છે. કારણ કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પાસે તમામની કુંડળીઓ હોવાનો આવા અધિકારીઓને માનસિક ડર પણ છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ નીતિમત્તા અને નીતિ-નિયમોના વિરૂદ્ધ થતી કોઈપણ કાર્યવાહીને બર્દાસ્ત નથી કરતા. જેના કારણે જ આજે છેવાડેના સામાન્ય લોકોનો પ્રશાસન પ્રત્યેનો ભરોસો પણ વધ્યો છે.
સોમવારનું સત્ય
…આખરે આ કળીયુગમાં વાલિયો પણ વાલ્મિકી બન્યો
સાચને કોઈ આંચ આવતી નથી અને સત્ય હંમેશા સનાતન રહે છે. જે રીતે રામનામના પ્રભાવથી હૃદય પરિવર્તન થઈ વાલિયામાંથી વાલ્મિકી બન્યો તે રીતે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્ઠા અને પ્રદેશ માટેના સમર્પણની અસરથી ઘણાં તેમના ટીકાકારો પ્રશંસક બન્યા છે. જેમાં દમણ યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે પ્રશાસક શ્રી માટે એલફેલ બોલવા અને ગાળો ભાંડવા સુધીની તમામ મર્યાદાઓ પૂર્ણ કરી હતી. પરંતુ જે રીતે સાચને કોઈ આંચ આવતી નથી તે રીતે ઉમેશ પટેલનું પણહવે હૃદય પરિવર્તન થયું હોય એવું લાગે છે અને હવે તેઓ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વહીવટ પ્રત્યે પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છે. આ કળીયુગમાં પણ સાચા પ્રભાવથી વાલિયો પણ વાલ્મિકી બની શકે તે આનું નામ..!