(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232એફટુના રિજિયન-5 દ્વારા દેવકા ખાતે આવેલ હોટલ સેન્ડી રિસોર્ટમાં ‘યુનિટી’ રિજિયન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આજની આ રિજિયન કોન્ફરન્સ ‘યુનિટી’ના ચેરમેન રિજિયન-5ના ચેરપર્સન લાયન ખુશમન ઢીંમર, એમજેઅફે ઈનોગ્રેટર તરીકે ડિસ્ટ્રીક્ટ 3232એફટુના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન મુકેશ પટેલ, પીએમજેએફ અને ચીફ ગેસ્ટ તરીકે મલ્ટીપલ કાઉન્સિલચેરપર્સન લાયન નિશીથ કિનારીવાલા હાજર રહ્યા હતા. આ સાથે આજની આ કોન્ફરન્સમાં ડિસ્ટ્રીક્ટ 3232એફટુ જે ભરૂચ, અંકલેશ્વરથી લઈને ઉમરગામ સુધી વિસ્તરેલ છે અને જેમાં 85 લાયન્સ ક્લબો છે તેના 300થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આજની આ કોન્ફરન્સમાં રિજિયન-5ની ક્લબો દ્વારા વોટર હટ, સ્કૂલના ક્લાસરૂમ, બ્લેન્કેટનું વિતરણ, સ્મશાનભૂમિનો વિકાસ, સમાજ સેવા પ્રવૃત્તિ, ડિસેબલ હેન્ડીકેપ કેમ્પ માટે લગભગ 5,00,000/(રૂા.પાંચ લાખ)ના ચેક ડોનેશનરૂપે આપવામાં આવ્યા હતા.
આ સાથે આ વર્ષ દરમિયાન રિજિયન-5ની લાયન્સ ક્લબના લાયનો દ્વારા ઉત્કૃષ્ટ સેવાકાર્યો કરવા બદલ એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આવનાર ભવિષ્યમાં પણ લાયનો આ જ પ્રમાણે અવિરતપણે જરૂરિયાતમંદો માટે નિઃસ્વાર્થ ભાવે સેવાકાર્યો કરતા જ રહેશે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આજની આ રિજિયન કોન્ફરન્સમાં અગ્રણી લાયન મુકેશભાઈ ભાઠેલા, યુવા સામાજિક અને રાજકીય નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ અને યુવા ડોક્ટર બીનલ નાયકે પણ પોતાની સેવા વિશેના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.