(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી પોલીસે તા.13-8-2014ના મધ્યરાત્રીના એકાદ વાગ્યાથી વહેલી સવાર સુધી પારડી જકાતનાકા પાસે સ્પેશિયલ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને બેફામ વાહન હંકારી લાવી પોતાનો સાથે અન્યનો જીવ જોખમમાં મુક્તા 15 જેટલા પિકઅપ ટેમ્પો ચાલકોને ઝડપી પાડ્યા હતા અને તેમનાવિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક ટેમ્પામાં શાકભાજી, ફૂલનો જથ્થો હોય જે બગડે ના માટે પોલીસે ટેમ્પો ચાલકોને અન્ય વાહન મંગાવી લેવા અથવા ટેમ્પાના શેઠ કયાં તો વેપારીને જાણ કરી શાકભાજી લઈ જવા જેવી પણ સમજ કરી હતી. જેથી ઝડપાયેલા ચાલકો મોટું નુકસાન થી બચી શકે. પરંતુ પારડી પોલીસે હાથ ધરેલા આ ચેકિંગ કાર્યવાહીને લઈ પિકઅપ ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આવું સરપ્રાઇઝ ચેકિંગ કરી બેફામ જતાં પિકઅપ ચાલકો પર નિયંત્રણ લાવવા પોલીસ સમયાંતરે આવું ચેકિંગ કરતી રહે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે.
