તા.25મી ડિસેમ્બરે મહાનગર પાલિકાનું જાહેરનામું બહાર પડશે : 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વર્તમાન વાપી નગરપાલિકાની તા.19 ગુરૂવારના રોજ અંતિમ સામાન્ય સભા યોજાશે. વાપી મહાનગરપાલિકા બનાવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. વર્તમાન પાલિકા સુષુપ્ત થઈ જશે. વાપી આસપાસના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તે માટે આગામીતા.25 ડિસેમ્બરે સરકાર તરફથી જાહેરનામું વિધિવત જાહેર કરવામાં આવનાર છે.
વાપી નગરપાલિકાની વર્તમાન બોર્ડની તા.19 ગુરૂવારે સવારે 11 કલાકે પાલિકા સેવા સદનમાં અંતિમ સામાન્ય સભા બની રહેશે. કારણ કે વાપી મહા નગરપાલિકા બનાવવાની વહિવટી પ્રક્રિયા હાથ ધરાશે. મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક થશે. સાથે સાથે શહેરના વર્તમાન વોર્ડમાં મોટો ફેરફાર થશે. નવી વોર્ડ રચના કરવામાં આવશે. મતદાર ક્ષેત્રનું સિમાંકન પણ ફેરફાર થશે. સંભવત મહા નગરપાલિકામાં કુલ 20 વોર્ડની રચના કરાશે તેમજ ચાર ઝોન મહા નગરપાલિકાના પાડવામાં આવશે. વિકાસ કામો અને વહિવટી કામગીરી ઝોન વાઈઝ કરવામાં આવશે અને મ્યુનિસિપલ એક્ટ લાગું કરવામાં આવશે. વહિવટી અને ટેકનિકલ સ્ટાફની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરાશે. રાતા-કોચરવા સિવાય વાપી આસપાસના 11 ગામો મહા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. વાપી સહિત રાજ્યની 9 નગરપાલિકાઓ એક સાથે મહા નગરપાલિકા બનશે. સ્થાનિક ગ્રામ પંચાયતોની અનિચ્છા છે મહા નગરપાલિકામાં જોડાવાની. કારણ કે સરપંચો અને સભ્યોની ગરાશ લૂંટાઈ જવાનો ભય સતાવી રહ્યો છે તેથી 11 પૈકી 10 પંચાયતોએ ઠરાવ કરીને પ્રથમથી વિરોધ નોંધાવી દીધો છે પરંતુ કોઈનું કંઈ ચાલશે નહીં. 25 ડિસેમ્બરથી વાપી મહા નગરપાલિકા બનાવવાના ચક્રોગતિમાન થઈ જશે.