લોકોના આરોગ્ય ઉપર ખતરો
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.08: દાદરા નગર હવેલી જિલ્લામાં કેટલીક હોટલો તથા ઢાબાઓમાં સ્વચ્છતા અંગે નિરસતા જોવા મળી રહી છે. જેનાથી લોકોના આરોગ્ય સાથે ખતરો ઉભો થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહની કેટલીક હોટલો અને ઢાબાઓમાં સંચાલકો દ્વારા સફાઈ વ્યવસ્થા બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે ગ્રાહકોના આરોગ્ય સાથે ખતરો તોળાઈ રહ્યો છે. તેથી નગરપાલિકા અને જિલ્લા ખાદ્ય અને ઔષધિ પ્રશાસન વિભાગ દ્વારા જિલ્લામાં ધમધમી રહેલ હોટલો, ઢાબા, ચાઈનીઝ ફૂડ સ્ટોલો, નાસ્તાની લારીઓ ઉપર બનાવાતી ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ કરવામાં આવે અને ત્યાંની સ્વચ્છતા અંગેની ચકાસણી કરવામાં આવે એ જરૂરી બન્યું છે. કેટલીક નાની હોટલોમાં તો ગંદા કપડાં પહેરી વેઈટરો, કૂક અને સ્ટાફ ખાવાપીવાની સામગ્રી ગ્રાહકોને પીરસતા નજરે પડે છે અને જાણે સંચાલકોને સાફ-સફાઈની કોઈ જ ફિકર નહીં હોય. તેથી સફાઈ નહીં રાખનાર હોટલો અને રેસ્ટોરન્ટ, ઢાબાઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.