મોંઘાભાઈ હોલ વલસાડમાં યોજાયેલ કેમ્પમાં પોલીસ અને 15 જેટલી બેંકના મેનેજર-સ્ટાફ ઉપસ્થિત રહ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમાજને વ્યાજની ચુંગાલમાંથી બચાવવા માટે વિવિધ સરકારી, અર્ધ સરકારી બેન્કોના સહયોગ સાથે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પને મળેલા ભારી પ્રતિસાદ અંતર્ગત લોનવાંચ્છુઓની 764 જેટલી અરજી કેમ્પમાં પ્રાપ્ત થઈ હતી.
વ્યાજખોરો 10 થી 20 ટકા પઠાણી વ્યાજ વસુલી જરૂરીયાતમંદોનું ભારે શોષણ આચરી રહ્યા છે તેથી વ્યાજની ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસ અને સરકારએ ઝુંબેશ શરૂ કરી છે તે અંતર્ગત તા.09ના રોજ વલસાડ મોંઘાભાઈ હોલમાં પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાભરના સેંકડો લોકો ઉમટી પડયા હતા. કેમ્પમાં 15 જેટલી સરકારી અર્ધસરકારી બેંકના મેનેજર અને પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી. એ.કે.શર્મા અને સ્ટાફે લોન માટે જરૂરી માર્ગદર્શન અને ફોર્મ વિતરણ કર્યા હતા. તેમજ જે લોકો પાસે બેંક ખાતા નહોતા તેમના સ્થળ ઉપર બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. આ સામાજીક સફળ અભિગમમાં બેંકોએ પણ જણાવ્યું હતું કે, તા.15 ફેબ્રુઆરીથી લોન ચેક વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ એસ.પી. ડો.ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.