(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા દમણમાં સંઘપ્રદેશ કક્ષાની વિવિધરમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત રમત-ગમત સ્પર્ધા દ્વારા યુવા પેઢીને માનસિક આરોગ્ય તેમજ શારીરિક તંદુરસ્તી પ્રત્યે પ્રેરિત કરવામાં આવી રહી છે.
આજે યોજાયેલી દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ સ્પર્ધા (અંડર 19 બોયઝ) ફાઈનલ મેચમાં શ્રી માછી મહાજન શાળાના ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાર્વજનિક શાળાને 8 રનથી મ્હાત આપી હતી. આ સાથે દમણ જિલ્લા આંતર શાળા ક્રિકેટ સ્પર્ધાનું સમાપન થયું હતું. આ જિલ્લા કક્ષાની સ્પર્ધાના પસંદ કરાયેલા ખેલાડીઓ સંઘીય કક્ષાની સ્પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્પર્ધાના વિજેતા અને ઉપ વિજેતા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેડક્વાર્ટર, દિલ્હીના ડાયરેક્ટર શ્રી સંદીપ રાણા અને વિભાગના અધિકારીઓ શ્રી અક્ષય કોટલવાર અને શ્રી દેવરાજ સિંહ રાઠોડ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ખાસ મુલાકાતે આવેલા ડાયરેક્ટર શ્રી સંદીપ રાણાએ પોતાના વિચારો વ્યક્ત કરી ઉપસ્થિત તમામ ખેલાડીઓને રમત-ગમત તરફ પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ભૌતિક શિક્ષકો અને વિભાગના કર્મચારીઓએ પોતાનું મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.
