(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ગુજરાતી સાહિત્ય પરિષદ તથાશ્રી મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજ, મોટાપોંઢામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.એસ.યુ. પટેલે વક્તાઓને આવકારી, માતૃભાષા દિવસનો મહિમા સમજાવ્યો હતો. સરકારી કોલેજ, દમણના ગુજરાતી વિષયના અધ્યાપક અને મુખ્ય વક્તા ડૉ.ભાવેશ વાળાએ એમના વક્તવ્યમાં હેમચંદ્રાચાર્યથી માંડી ઠેઠ સાંપ્રત સમય સુધીની ગુજરાતી ભાષાની એક આખી સફર મુખ્ય કવિઓને ધ્યાનમાં લઈ કરાવી હતી. આણંદ આર્ટસ કોલેજના ડૉ. પ્રવીણભાઈ વણકરે એમના વક્તવ્યમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણીના પ્રારંભની ઘટના થકી માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના સંયોજક ડૉ. આશા ગોહિલે 117 વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન, જ્ઞાનસત્ર તથા અન્ય વિવિધ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. આજનો કાર્યક્રમ 102 જગ્યાએ આયોજિત કરી પરિષદે એક ઈતિહાસ રચ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ તથા મહામંત્રી ડૉ. સમીર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત વિશ્વ માતૃભાષા દિવસની દબદબાભેર ઉજવણી 102 જગ્યાએ થઈ રહી છે એ વિશે વિગતે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમને રસભેર માણ્યો અને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે ગુજરાતી સાહિત્યપરિષદ તથા સૌના પ્રત્યે આભાર પ્રા. ડૉ. આશા ગોહિલે વ્યક્ત કર્યો હતો.
