નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નવસારી, મગરવાડા, પડઘે (મહારાષ્ટ્ર) હાઈટેન્શન ટાવર લાઈન નાંખવાના સર્વે બાદ ખેડૂતોને ભારે નુકસાન થનાર હોવાથી ઉદવાડામાં વલસાડ જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયે નવી હાઈટેન્શન લાઈનના વિરોધમાં નવસારી-વલસાડ તથા દમણ વિસ્તારનાખેડૂતો એકત્રિત થયા હતા અને લડત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા આડેધડ એચ.ટી. લાઈન નાંખવાથી વલસાડ જિલ્લાના જૂજવા, રાબડા, બિનવાડા, સુખેશ, કુંભારીયા, ધુવા, ઝરોલી વિગેરે ગામોના ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થનાર છે. ચિકુ, આંબાના વૃક્ષો જે ખેડૂતોની આજીવિકા છે તેનું નિકંદન નવીન એચ.ટી. લાઈનથી થવાનું હોવાથી ઉદવાડા ખાતે જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી.
સંઘના પ્રમુખ શ્રી શશીકાન્તભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ વિકાસના નામે ખેડૂતોને ખેતી વિહોણા કરી રહી છે. પાવરગ્રીડ એ કોઈપણ જાહેરાત વગર નવસારીથી બે લાઈન મહારાષ્ટ્ર તરફ જનાર છે તેમાં એક નાનાપોંઢાથી પસાર થનાર છે. બીજી વલસાડ, દમણ, ઉમરગામ વિસ્તારમાંથી પસાર થનાર છે. તે સંદર્ભે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. ખેતી સર્વે, માપણીનું કામકાજ કર્યા સિવાય પાવરગ્રીડની કામગીરી સામે જિલ્લાના ખેડૂતોએ બાંયો ચઢાવી છે.