(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીને ગણદેવી પીપલ્સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્વવાળી ભાજપ સમર્થીત પેનલમાં પ્રતિનિધિત્વ ન અપાતા ચૂંટણી યોજવાના સંજોગો ઉભા થવા પામ્યા છે.
ચીખલીને અલગ બેઠક માટે સભાસદો દ્વારા કરાયેલ લેખિત રજૂઆતની પણ ધરાર અવગણના કરાતા સભાસદોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
આગામી પાંચમી માર્ચે યોજાનારી ગણદેવી પીપલ્સ બેંકની ચૂંટણી માટે વર્તમાન ચેરમેન ગોપાળભાઈ ગોહિલના નેતૃત્વવાળી પેનલની ભાજપ દ્વારા ગતરોજ ઉમેદવારીપત્રક ખેંચવાના દિવસે વિધિવત જાહેરાત ગણદેવી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં બીલીમોરા વિભાગમાં ચીખલીના એકપણ ઉમેદવારનો સમાવેશ ન કરી પ્રતિનિધિત્વ ન અપાતા ચીખલીને અન્યાય થતા સભાસદોની લાગણીને ધ્યાને રાખી ચીખલીના અજયભાઈ રમણલાલ દેસાઈએ ઉમેદવારીપત્રક પરત ન ખેંચતા બીલીમોરા વિભાગ બિનહરીફ ન થતા આખરે ચૂંટણીયોજવાના દિવસો આવ્યા છે.
ગણદેવી પીપલ્સ બેંકની શાખાઓ પૈકી ચીખલીની શાખામાં મહત્તમ ડિપોઝીટ અને ધિરાણ પણ હોય ઉપરાંત ચીખલી એક મોટું વેપારી હબ હોય તથા ચીખલીના 2800 ની આસપાસ સભાસદો છે. ત્યારે ચીખલીને એક અલાયદી બેઠક અને પ્રતિનિધિત્વ મળે તેવી સભાસદોની લાગણી હોય એ સ્વાભાવિક છે. વધુમાં અગાઉ ચીખલીના સભાસદો દ્વારા ચીખલીને અલગ બેઠક માટે બેંકના સત્તાધીશોને લેખિત રજૂઆત પણ કરાઈ હતી. આ ઉપરાંત પ્રગ્નેશભાઈના ચેરમેનપદના સમય દરમ્યાન ચીખલીની અલગ બેઠક માટે ઠરાવ પણ રજૂ કરાયો હતો. પરંતુ બહુમત ડિરેક્ટરોએ તેનો વિરોધ કરતા આ ઠરાવ પસાર થયો ન હતો.
ઉપરાંત સ્થિતિમાં ભાજપ મોવડી મંડળે પણ બીલીમોરા વિભાગની ચાર બેઠકમાંથી એક પણમાં ચીખલીના ઉમેદવારને સ્થાન ન અપાતા સભાસદોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. બીજી તરફ ચીખલીના સહકારી અગ્રણી અજયભાઈ દેસાઈ ચીખલીને અવાર નવાર અન્યાય સામે આ વખતે લડી લેવા મક્કમ છે. ત્યારે તેની સીધી અસર ભાજપ સમર્થિત પેનલ પર પડશે તેમ પણ મનાઈ રહ્યું છે.
ગણદેવી પીપલ્સ બેંકમાં કોળી પટેલ સભાસદોની સંખ્યા પણ વિશેષ છે. પરંતુ મહિલા અનામતમાં એક અને ગણદેવી વિભાગમાં એક મળી બે જેટલાનો જ સમાવેશ કરાયો છે. ચૂંટણીમાં ભાજપનો ખોબે ખોબા ભરીનેમત આપતા કોળી સમાજને પણ દેખીતી રીતે અન્યાય થયો હોય તેવી સર્જાવા પામી છે.
ચીખલીના અજયભાઈ દેસાઈના જણાવ્યાનુસાર પાંચ વર્ષ પૂર્વે ચીખલીને અલગ બેઠક માટે વચન અપાયું હતું. અને સભાસદો દ્વારા અલગ બેઠક માટે લેખિત રજૂઆત પણ કરાઈ હતી. તેમ છતાં આ વખતે ચીખલીને બીલીમોરા વિભાગની ચારમાંથી એક પણ બેઠક ન ફળવાતા સભાસદોની લાગણીને માન આપી ઉમેદવારી કરી છે.