(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને એમની ટીમ દ્વારા અંતરિયાળ વિસ્તાર બોન્ડપાડામાં આજરોજ પેવર બ્લોકની કામગીરીની શરૂઆત કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. વરસાદી મોસમ દરમિયાન આ વિસ્તારમાં કાદવ કીચડના કારણે અવરજવર કરનારાઓને ભારે મુસીબતનોસામનો કરવો પડતો હતો. રૂપિયા 15 લાખના ખર્ચે જનારી પેવર બ્લોકની કામગીરીમાં સમગ્ર વિસ્તારને આવરી લેવાથી ચોમાસા દરમિયાન સર્જનારી સમસ્યાનો અંત આવશે એવું લાગી રહ્યું છે. પેવર બ્લોકની કામગીરીનો પ્રારંભ કરાવવા પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને એમની ટીમ અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ઉર્મિલાબેન દુમાડા, પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ કોમ્ભિયા, અગ્રણી શ્રી વિનોદભાઈ ઠાકોર, પૂર્વ સભ્ય શ્રીમતી ગીતાબેન બોબા, આગેવાન શ્રી પંકેશભાઈ વડવી, ભરતભાઈ કોમ્ભિયા સહિત ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.