વિજ્ઞાન વિષયને રમતા રમતા કેવી રીતે શીખી શકાય તે માટે શિક્ષકોને વિજ્ઞાનના સિધ્ધાંતની સમજ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ 14 અને 15 માર્ચ દરમ્યાન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજીત સ્પોર્ટ ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ટોય ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના 50 જેટલા શિક્ષકો હાજર રહ્યા અને તેમાં વિજ્ઞાન વિષયને રમતા રમતા કેવી રીતે શીખી શકાય તેમજ દરેક રમતોમાં રહેલો વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા ખુબ સરસ રીતે આપવામાં આવી હતી.
જિલ્લા વિજ્ઞાન અધિકારી અશોક જેઠેના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગના કૃણાલ ચૌધરી, વંદના રાજગોર, શ્વની ગરાસિયા, સન્નિધિ પટેલ, સુજીત પટેલ તેમજ મેંટર રાહુલ શાહ અને ગાયત્રિ બિષ્ટ દ્વારા શિક્ષકોને રમતમાં રહેલા વિજ્ઞાન સાથેની પ્રવુત્તિઓ કરાવવામાં આવી હતી. ક્રિકેટમાં રહેલા ન્યુટનના ગતિના નિયમો, દેડકાના નમૂનાઓ બનાવી ગતિ ઉર્જા તેમજ સ્થિતિ ઉર્જા, હવા દબાણ કરે છે જેવી એક્ટિવિટી કરાવવામાં આવી હતી. પેપર કપ દ્વારા ફોન બનાવી ધ્વનિના પ્રસારણની સમજ તેમજ ફેર ફુદરડી દ્વારા ગ્રહોની ગતિની સમજ, એર જેક દ્વારા હવાના દબાણની સમજ, સ્ટાર વ્હીલ દ્વારા તારાઓની ઓળખની સમજ આપવામાં આવી હતી. 14 મી માર્ચ દર વર્ષે પાઇ દિવસ તરીકે ઉજવાય છે. તે નિમિત્તે વર્તુળ અને વ્યાસનો ગુણોત્તર પાઇનું મુલ્ય શોધવા વિવિધ પ્રવૃતિઓમાં શિક્ષકોએ ભાગ લીધો હતો તેમજ સ્ટ્રોની મદદથી ઘણી બધી એક્ટિવિટી કરાવવામાં આવી હતી. ન્યુટનના ગતિના નિયમ, વિમાનની બનાવટ અને તેનું વિજ્ઞાન, ઉખડીના સાંધા અને મિજાગરાના સાંધાની સમજ બોલ દ્વારા સરસ રીતે આપવામાં આવી હતી. લંબચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન હોય છે. બરનોલીનો સિદ્ધાંત, 3D ચુંબકની બળ રેખાઓની સમજ આપવામાં આવી હતી. જુદા જુદા ભૌમિતિક આકારો બનાવવામાં આવ્યા તેમજ વિજ્ઞાનના પ્રયોગો કરવામાં આવ્યા હતા. તારામંડળ અને 3D શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડમાંથી ડૉ પંકજભાઈ દેસાઈ, વલ્લભભાઈ રાઉત અને ડો. દર્શના પટેલ વર્ગ સંચાલક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.